પુરીમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની માંગ કરતા મુખ્યમંત્રી
ભૂવનેશ્વર, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પુરીમાં એક ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની માંગ કરી છે. નવીન પટનાયકે આ આગ્રહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે અનુરોધ કર્યો છે કે રાજ્યમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી પુરી શહેરમાં એક ઈન્ટરનેશનલ એરપોર્ટનુ નિર્માણ કરાવવામાં આવે.
નવીન પટનાયકે પત્રમાં લખ્યુ છે કે પીએમ મોદી નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રાથમિકતાના આધારે પુરીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરિયોજનાની શરૂઆત કરવા માટે કહે. પટનાયકે કહ્યુ કે આ પ્રસ્તાવિત એરપોર્ટનુ નામ પણ શ્રી જગન્નાથ પુરી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. તેમણે કહ્યુ કે પુરીમાં એરપોર્ટ બનવાથી દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓને અહીં આવવામાં ઘણી મદદ મળશે.
નવીન પટનાયકે કહ્યુ છે કે રાજ્ય સરકારે એરપોર્ટના નિર્માણ માટે ભૂમિ પણ ચિહ્નિત કરી લીધી છે અને રાજ્ય સરકાર એરપોર્ટના નિર્માણમાં દરેક પ્રકારની સંભવ મદદ માટે તૈયાર રહેશે. નવીન પટનાયકે કહ્યુ કે કોણાર્કનુ સૂર્ય મંદિર પણ પુરીથી માત્ર ૩૫ કિલોમીટર દૂર છે જે યુનેસ્કોનુ વિશ્વ ધરોહર સ્થળ છે. એવામાં ત્યાં જવા માટે પણ વિઝિટર્સ પુરી એરપોર્ટનો જ ઉપયોગ કરશે. પટનાયકે કહ્યુ, ‘અમારુ માનવુ છે કે પુરી આધ્યાત્મિક પર્યટન અને આર્થિક ગતિવિધિઓનુ કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે.’HS