પુરી-અમદાવાદ એક્સપ્રેસનાં કોચમાંથી ૭.૬૦૦ કિગ્રા ગાંજાે ભરેલો બિનવારસી થેલો મળ્યો
કાંકરીયા રેલવે યાર્ડમાં ટ્રેન હતી એ વખતે તપાસ દરમિયાન એસઓજીને મળી આવ્યો
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં યુવાનોમાં માદક દ્રવ્યોનું સેવન ખૂબ જ વધી જતાં ડ્રગ્સનો વેપાર કરતાં શખ્સો સક્રિય થયાં છે અને શહેર તથા રાજ્ય બહારથી વિવિધ પ્રકારનાં માદક પદાર્થાે શહેરમાં ઘુસાડવાનાં પ્રયત્નોમાં હોય છે. જેને રોકવા માટે તંત્ર શક્ય એટલાં પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે પુરી-અમદાવાદ એક્સપ્રેસમાં રેલવે પોલીસની રૂટીન તપાસ દરમિયાન કોન્સ્ટેબલને સાડા સાત કિલો જેટલો ગાંજાનો જથ્થો ભરેલો બિનવારસી થેલો મળી આવ્યો હતો. પોલીસે હવે તે કોણે મુક્યો તે દિશામાં તપાસ આદરી છે.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે પશ્ચિમ રેલવે પોલીસનાં એસઓજી તથા એલજીબીનો સ્ટાફ મંગળવારે રૂટીન પેટ્રોલિંગ કરતાં કાંકરીયા વોશીંગ યાર્ડમાં આવ્યું હતું. જ્યાં પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પડી હતી. આ ટ્રેનમાં માદક પદાર્થાેની હેરાફેરી ખૂબ થતી હોઈ તેમણે તપાસ શરૂ કરી હતી.
દરમિયાન ડીઆઈ કોચની અંદર આવેલાં વોશરૂમમાં એક કાળા રંગનો થેલો મળતાં હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ (એસઓજી) પોતાનાં ઉપરીઓને જાણ કરી હતી. જેમાં માદક દ્રવ્યો કે વિસ્ફોટક પદાર્થાે કંઈ પણ હોવાની શક્યતાને પગલે બીડીડીએસની ટીમ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ થેલો ખોલીને જાેતાં તેમાંથી ગાંજાનાં સાત પેકેટ મળ્યા હતા. થેલાંને એસઓજીની ઓફીસે લઈ જઈ તપાસ કરતાં કુલ ૭૬ હજાર રૂપિયાનો ૭ કિલો ૬૦૦ ગ્રામ ગાંજાે મળ્યો હતો. આ અંગે અમદાવાદ રેલવે પોલીસે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.