પુલવામામાં ત્રણ ત્રાસવાદી ઠાર
પુલવામા: જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોને આજે વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી. પુલવામા ખાતેના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ ચોક્કસ બાતમીના આધાર પર હાથ ધરેલા ઓપરેશનમાં ત્રણ કુખ્યાત ત્રાસવાદીઓ ઠાર થયા હતા. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક અને હથિયારો કબજે કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરામાં હજુ હિંસા ભડકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ સતત જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો જારદાર ઓપરેશન ચલાવી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ ઠાર થઇ ચુક્યા છે.
આ ઓપરેશન હજુ જારી છે. પોલીસના એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ હતુ કે મોતને ઘાટ ઉતારી દેવામાં આવેલા ત્રાસવાદીઓની ઓળખ થઇ શકી નથી. જા કે આ ત્રાસવાદીઓ સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવવા અને રાજ્યમાં હિંસા ફેલાવવાની ખતરનાક યોજના ધરાવતા હતા.
ત્રાસવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ મંગળવારે મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરી હતી. પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ચારેબાજુથી ઘેરાબંધી કરીને તપાસ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તપાસ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો પર છુપાયેલા ત્રાસવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જવાબી કાર્યવાહી કરવામાં આવતા ત્રણ ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
મંગળવારે સાંજે જમ્મુ કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાની સંયુક્ત ટીમે ત્રાલમાં ત્રાસવાદીઓની સામે કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં જ માહિતી મળી છે કે આઇએસઆઇ ફરી એકવાર પુલવામાં જેવા હુમલા કરવાના પ્રયાસમાં છે. આવા કાવતરા રચવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી દ્વારા ઘાતક યોજના બનાવીને તમામ ત્રાસવાદી સંગઠનોને ભેળવી દઇને એક નવા ગ્રુપની રચના કરી છે. જેનુ નેતૃત્વ જેશ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. તેનુ નામ ગજનવી ફોર્સ રાખવામાં આવ્યુ છે.જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો પહેલાથી જ સાવધાન થયેલા છે. પાકિસ્તાનની હરકતો રાજ્યમાં જારી છે.