પુષ્પક ટ્રેનમાં આગની અફવાથી ચાલુ ટ્રેનમાંથી યાત્રિકો કૂદી પડ્યા: ૧૧થી વધુનાં મોત
જલગાંવ નજીક બનેલો બનાવઃ સામેથી આવતી કર્ણાટક એક્સપ્રેસ ટ્રેન નીચે યાત્રિકો કચડાયાઃ ૪૦થી વધુ ગંભીર
(એજન્સી)જલગાંવ,
જલગાંવ નજીક બુધવાર મોડી સાંજે લખનઉથી મુંબઈ આવી રહેલી પુષ્પક ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા સમગ્ર ટ્રેનમાં પ્રસરી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચેન પુલિંગ કરવામાં આવતા ટ્રેન ધીમી પડી હતી. પરંતુ ગભરાઈ ગયેલાં યાત્રિકો ટ્રેનમાંથી કૂદવા લાગતાં બીજા ટ્રેક ઉપર સામેથી આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયાં હતાં. જેના પગલે રેલવે ટ્રેક ઉપર ઈજાગ્રસ્તો અને મૃતદેહો જોવા મળતાં હતાં. પ્રાથમિક તપાસમાં ૧૦થી વધુ મૃતદેહો મળ્યાં હતાં. જ્યારે ૪૦થી વધુ પ્રવાસીઓને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા હતાં. મૃત્યુઆંક વધવાની દહેશત સેવાઈ રહી છે.
ઘટનાની જાણ થતાં રેલવે અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા. જોકે, જલગાંવથી દૂર આવેલાં એક સ્ટેશન નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. જેના પરિણામે સ્થળ ઉપર પહોંચવામાં વિલંબ થયો હતો. બીજી બાજુ, મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતનાં મહાનુભાવોએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પુષ્પક એક્સપ્રેસમાં મોટાભાગનાં પ્રવાસીઓ કુંભ મેળામાંથી પરત ફરી રહ્યા હતાં.
જલગાંવ નજીક આવેલાં રેલવે સ્ટેશનથી ૪૦ કિ.મી. દૂર સર્જાયેલી આ દુર્ઘટનામાં એક પછી એક ઈજાગગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા હતા અને હોસ્પિટલોમાં પણ તબીબી સ્ટાફને તૈનાત કરી દેવાયા હતા. તબીબી વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કેટલાંકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે બીજીબાજુ, પુષ્પક ટ્રેનનાં અન્ય પ્રવાસીઓને તેમના નિયત સ્ટેશને પહોંચાડવાની તજવીજ શરૂ કરાઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનારની ઓળખવિધિ માટે ટ્રેનનાં અન્ય પ્રવાસીઓની પૂછપરછ શરૂ કરાઈ છે. આ ઉપરાંત ટ્રેનમાં સવાર પ્રવાસીઓનું લિસ્ટ પણ ચકાસવામાં આવી રહ્યું છે. જેના પરથી મૃતક અને ઈજાગ્રસ્તોની ઓળખ થઈ શકશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તથા સ્થાનિક ધારાસભ્યો અને મંત્રીમંડળના કેટલાંક સભ્યો મોડીસાંજે જ સ્થળ ઉપર જવા રવાના થઈ ગયા હતા. ત્યારે બીજી બાજુ, ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળી રહે તે માટે રેલવે તંત્ર દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેનાં પ્રયાસો કરવામાં આવ્યા હતાં. આ દુર્ઘટનામાં કોણે અફવા ફેલાવી એ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે પ્રવાસીઓની પૂછપરછ શરૂ કરાઈ છે. કયાં ડબ્બામાંથી આ અફવા ફેલાઈ તે અંગે તપાસ તેજ કરવામાં આળતાં ટૂંક સમયમાં જ સત્ય હકીકત બહાર આવશે. કેટલાંક યાત્રિકોના જણાવ્યા અનુસાર ટ્રેને બ્રેક મારતાં ધુમાડો નીકળ્યો હતો. પરંતુ હજુ આ વાતની પૃષ્ટિ થઈ નથી. અને ટ્રેનમાં આગ લાગી ન હતી.
જેથી આ એક કાવતરું હોવાની પણ શંકા સેવાઈ રહી છે. મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે એક મોટી ટ્રેન દુર્ઘટના બની. અહીં પરધાડે રેલવે સ્ટેશન પર પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ. આ પછી, કોઈએ ચેઇન ખેંચી અને ઘણા મુસાફરો ચાલતી ટ્રેનમાંથી પાટા પર કૂદી પડ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસાફરો હજુ પાટા પર જ હતા. આ દરમિયાન, બીજા ટ્રેક પરથી આવતી કર્ણાટક સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસે ઘણા મુસાફરોને કચડી નાખ્યા.
સમાચાર એજન્સીએ ૮-૧૧ લોકોના મોતનો દાવો કર્યો છે. ૧૨૬૯૬ કર્ણાટક સંપર્ક ક્રાંતિ યશવંતપુરથી હઝરત નિઝામુદ્દીન જઈ રહી હતી, જ્યારે પુષ્પક એક્સપ્રેસ લખનઉથી મુંબઈ જઈ રહી હતી. અહેવાલો અનુસાર, બ્રેક લગાવતી વખતે પુષ્પક એક્સપ્રેસના પૈડામાંથી ધુમાડો નીકળ્યો. આ કારણે મુસાફરોમાં ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ ગઈ. આ પછી ઘણા મુસાફરો કોચમાંથી કૂદી પડ્યા. રેલવે અધિકારીઓએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. મધ્ય રેલ્વેના ભુસાવલ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જે જગ્યાએ ઘટના બની ત્યાં એક તીવ્ર વળાંક હતો, જેના કારણે ટ્રેક પર બેઠેલા મુસાફરો ટ્રેનના આગમનનો ખ્યાલ ન મેળવી શક્યા.