પુસ્તકાલયો એ જ્ઞાનની ગંગા છે અને તે ગંગા વહેતી રહે તે માટે ગ્રંથપાલની ભૂમિકા અગત્યની છે – જિલ્લા કલેકટર
વાંચન થકી વિચારો અને વિચારો થકી લેખન અને અભિવ્યક્તિની કળા વિકસી શકે છે – મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ
(માહિતી) વડોદરા, રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓના વિભાગ તળે ગંથ્રાલય ખાતુ કાર્યરત છે. વડોદરાના બેંક રોડ, માંડવી સ્થિત મધ્યવર્તી પુસ્તકાલય ખાતે રાજા રામમોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશન, કલકતાના આર્થિક સહયોગથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
આઝાદી કા અમૃત્ત મહોત્સવ અને વડોદરાના રાજવી શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની ૧૫૯ જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમનો પ્રારંભ જિલ્લા કલેકટરશ્રી અતુલ ગોરે કરાવ્યો હતો. આ પ્રસંગે કલેકટરશ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે આઝાદી કા અમૃત્ત મહોત્સવ પુસ્તક પ્રદર્શન પણ ખૂલ્લું મૂક્યુ હતુ.
દીપ પ્રાગટ્ય કરી કલેકટરશ્રી અતુલ ગોરે કહ્યુ કે, પુસ્તકાલયોની સ્થાપના કરી મહારાજા સયાજીરાવે સમાજની સેવા કરી છે, જે આજે પણ નોંધનીય છે. નાના ગામડાઓમાં પણ પુસ્તકાલય સ્થાપી તેમણે પુસ્તકો અને વાંચન થકી જ્ઞાનના દ્વાર ખોલી આપ્યા. રાજય સરકારે વાંચે ગુજરાત અભિયાનની શરુઆત કરાવી વાંચનની પ્રેરણા આપવાનું કાર્ય પુનઃ શરુ કરાવ્યું.
કલેકટરશ્રીએ વધુમાં કહ્યુ કે, પુસ્તકાલયો એ જ્ઞાનની ગંગા છે અને તે ગંગા વહેતી બને તે માટે ગ્રંથપાલની ભૂમિકા અગત્યની છે. ગંથ્રપાલ પુસ્તકાલયોને માત્ર રોજીરોટી તરીકે નહિ પરંતુ રસ લઇ યુવા પેઢીને વાંચન માટે પ્રોત્સાહિત કરે, પુસ્તકો અને પુસ્તકાલયનું જતન કરે, પુસ્તકો સમાજ સુધી પહોંચે તે માટે વિશેષ સક્રિય થાય તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે કહ્યું કે, માત્ર નોકરી મેળવવા જ નહિ પરંતુ જીવન સારી રીતે જીવવા માટે શિક્ષણ અને વાંચન જરુરી છે. હકારાત્મક વિચારો અને હકારાત્મકતા માટે વાંચન જરુરી છે. જ્ઞાનના દીવા સમાન પુસ્તકો અને ગ્રંથાલયો સમાજમાં જ્ઞાનનો પ્રકાશ પાથરે છે.
મહારાજા સયાજીરાવના પ્રયાસો થકી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પુસ્તકાલય, પુસ્તકો, શિક્ષણ અને વાંચનનો વ્યાપ થયો. વિશ્વના સાતત્ય માટે વાંચન જરુરી છે, વાંચન થકી વિચારો અને વિચારો થકી લેખન અને અભિવ્યક્તિની કળા વિકસી શકે છે. યુવાનોને પુસ્તકો વાંચવાની જીજ્ઞાશા થાય તે માટે પ્રયાસો કરવા જરુરી છે. વિચાર ઘડતર અને વ્યક્તિત્વ વિકાસ માટે પુસ્તકોનું વાંચન મહત્વના છે.