પુસ્તક ખરીદીની સાથે નિ:શૂલ્ક નૌકા વિહાર : અ.મ્યુ.કો. નો નવતર અભિગમ
“હું ચાર્ટડ એકાઉન્ટન્ટ છું પણ આજે મારી ગણતરી ખોટી પડી” મનોજભાઈ બોટ રાઇડ કરતી વખતે આટલું જ્યા બોલ્યા કે સૌ ખડખડાટ હસી પડ્યા. સાબરમતી રિવરફ્રન્ટ પરના નેશનલ બુક ફેરમાંથી પુસ્તક ખરીદી આવેલા મનોજભાઈ ખુશખુશાલ હતા કારણ કે, પુસ્તક ખરીદ્યાની પહોંચ દેખાડવાથી તેઓ નિશુલ્ક નૌકાવિહાર કરી શક્યા હતા.
માત્ર મનોજભાઇ નહી પણ બોટમાં બેઠેલા તમામ લોકો આશ્ચર્યસહ આનંદવિભોર હતા. આનંદ નૌકા વિહારનો અને આશ્ચર્ય એ કે તેમના પુસ્તક પ્રેમે તેઓને નિ:શુલ્ક નૌકા વિહાર કરાવી આપ્યો. નદીની વચ્ચોવચ્ચ બોટની અવર-જવરથી તરંગીત થયેલુ પાણી, ઠંડો પવન અને પુસ્તકમેળામાં આયોજિત વાચિકમનો પડઘાતો મંદ અવાજ આ બધુ માણતા બોટ પરના પ્રવાસીઓ અમદાવાદ મહાનગરપાલિકાને અભિનંદન આપી રહ્યા હતા.
અમદાવાદ મહાનગરપાલિકાએ એક નવતર અભિગમ કેળવ્યો છે. હાલમાં જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉદ્ઘાટીત રિવરફ્રન્ટ પાસેના બાર દિવસીય પુસ્તક મેળામાંથી પુસ્તક ખરીદનાર વ્યક્તિ ખરીદીની પાવતી બતાવે તો તેને નિ:શુલ્ક બોટ રાઇડિંગની સુવિધા કોર્પોરેશન દ્વારા અપાઈ રહી છે.
વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉટંન્ટ એવા મનોજભાઈએ જણાવ્યું કે, તેઓ ગાંધીનગર રહે છે અને અમદાવાદના દરેક પુસ્તકમેળાની અચૂક મુલાકાત લે છે. તેઓ પોતાની લગભગ ૬૦૦૦ પુસ્તકોની લાઈબ્રેરી ધરાવે છે. તેઓ આ પુસ્તક મેળામાં પોતાના બંને દીકરા યુગ અને યશને સાથે લઈને આવ્યા હતા. તેઓએ પુસ્તક તો ખરીદ્યા પરંતુ પોતાના બંને બાળકોની સાથે નિશુલ્ક નૌકાવિહાર પણ કરી શક્યા. મનોજભાઇને એક પંથ દો કાજ જેવું થયું. પુસ્તકનું વાંચન વ્યક્તિને પ્રયાસ કરવા પ્રેરે, પુસ્તકનું વાંચન પ્રવાસ કરવા પ્રેરે પરંતુ પુસ્તક મેળામાંનું આ નવતર આયોજન લોકોને પુસ્તક ખરીદવા પ્રેરી રહ્યું છે.
તો રાહ શેની !! પહોંચી જાવ નેશનલ બુક ફેરમાં અને હા બોટ રાઇડ ચુકતા નહી…