પુસ્તક લેવા જવાનું કહી નીકળેલી કિશોરી ગુમ થઈ
રાજકોટ, રાજકોટના મવડી રીંગ રોડ વિસ્તારમાં રહેતાં કારખાનેદાર પરિવારની ૧૬ વર્ષની ધોરણ ૧૧ માં ભણતી દિકરી ૮મીએ સવારે ઘરેથી મવડી ચોકડીએ બૂક લેવા જવાનું કહીને નીકળ્યા બાદ ગાયબ થતાં શોધખોળ છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
સગીર ગૂમ થવાના કિસ્સામાં પોલીસે તુરત જ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બનાવ અંગે તાલુકા પોલીસે અપહૃત ૧૬ વર્ષની સગીરાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, પોતે હાલ રાજકોટ મવડી રીંગ રોડ વિસ્તારમાં રહે છે. મુળ લોધીકા પંથકના વતની છે અને કારખાનુ ચલાવે છે. ત્રણ સંતાન પૈકી જેનું અપહરણ થયું છે એ ૧૬ વર્ષની દિકરી ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે. ૮મી તારીખના રોજ બધા ઘરે હતાં.
ત્યારે આ દિકરી ઘરેથી સવારે અગિયારેક વાગ્યે મવડી ચોકડીએ બૂક લેવા જવાનું કહીને ગઇ હતી. પોતે જમીને સુઇ ગયા હતાં. બે અઢી વાગ્યે પુત્રએ જગાડીને કહેલ કે, બૂક લેવા ગયેલી બહેન હજુ સુધી ઘરે આવી નથી. આ પછી ફરિયાદી પિતા અને પરિવારજનોએ તેણીને ઠેર ઠેર શોધવા માટે દોડધામ શરૂ કરી હતી.