પૂછપરછ રૂમમાં અને લોકઅપમાં ઓડિયો સાથે CCTV કેમેરા લગાવવામાં આવે : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવા સંબંધિત એક કેસમાં આ આદેશ જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇ ( CBI), એનઆઈએ, ED, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો, ડાયરેક્ટ્રેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજેન્સ (DRI)અને સિરીયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસના કાર્યાલયોમાં ઓડિયો રેકોર્ડિંગ સાથે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે બધા રાજ્યોના પોલીસ સ્ટેશનોમાં પણ સીસીટીવી કેમેરા, જેમાં ઓડિયો રેકોર્ડિંગ પણ લગાવવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું કે આ સીસીટીવી કેમેરા પોલીસ સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્સન એરિયા, સબ ઇન્સપેક્ટર અને ઇન્સપેક્ટરના રૂમમાં, સ્ટેશનની બહાર, વોશરૂમની બહાર લગાવવા જોઈએ. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો કે આ કેમેરાની 18 મહિનાની રેકોર્ડિંગને રાખવી જરૂરી રહેશે. રાજ્યોને છ સપ્તાહની અંદર આદેશનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ નિર્દેશ આર્ટિકલ 21 અંતર્ગત મૌલિક અધિકારોમાં છે.
જસ્ટિસ રોહિંટન એફ નરીમન, જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની એક બેંચે 45 દિવસોથી વધારાના સીસીટીવી ફૂટેજને સુરક્ષિત રાખવા અને એકત્રિત કરવાના સવાલ પર શુક્રવાર સુધીમાં વરિષ્ઠ અધિવક્તા સિદ્ધાર્થ દવે, એમિક્સ ક્યૂરીને એક વ્યાપક નોટ પ્રસ્તુત કરવાનો નિર્દેશ આપ્યો હતો. 2015માં સુપ્રીમ કોર્ટે વધી રહેલી કસ્ટડી યાતનાથી નિપટવા માટે દેશના દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવાનો નિર્દેશ આપ્યો હતો.