પૂજા દદલાની SIT સમક્ષ ફરીવાર હાજર ન થઈ
મુંબઈ, બોલિવુડ એક્ટર શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શહેર પોલીસની એસઆઈટી ટીમે બુધવારે પૂછપરછ માટે સમન પાઠવ્યું હતું. જાે કે, તબિયત ઠીક ન હોવાનું કહીને તે હાજર રહી નહોતી. ‘તેનું નિવેદન એસઆઈટી માટે મહત્વનું છે અને આવનારા સમયમાં અમે તેને પૂછપરછ માટે ફરીથી બોલાવીશું, તેમ મુંબઈ પોલીસે કહ્યું હતું.
પૂજા દદલાનીએ કેપી ગોસાવી અને સામ ડિસૂઝા સાથે લોઅર પરેલમાં મુલાકાત કરી હોવાના સીસીટીવી પુરાવા મુંબઈ પોલીસની એસઆઈટી ટીમને હાથ લાગ્યા બાદ પૂજા દદલાનીનુ નામ તપાસમાં સામે આવ્યું હતું.
ગયા અઠવાડિયે, સામ ડિસૂઝાએ પોતાના આગોતરા જામીન માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જામીન અરજીમાં, તેણે દાવો કર્યો હતો કે ગોસાવીએ આર્યન ખાનને મુક્ત કરાવવા માટે શાહરૂખની મેનેજર પાસેથી ૫૦ લાખ રૂપિયા લીધા હતા અને એનસીબીએ કેસમાં ૨૩ વર્ષના આર્યનની ધરપકડ કરી તે બાદ રકમ પરત કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૨થી પૂજા દદલાની શાહરૂખ ખાનની મેનેજર છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં દરેક સુનાવણીમાં તે કોર્ટમાં હાજર રહી હતી. જ્યારે આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ હતો ત્યારે પૂજા વકીલ સાથે કોર્ટની સુનાવણી માટે જતી પણ જાેવા મળી હતી. આ સિવાય જામીન મળ્યા બાદ જ્યારે શાહરૂખ ખાને વકીલોની ટીમ સાથે મુલાકાત કરી હતી ત્યારે પૂજા તેની સાથે રહી હતી. આટલા વર્ષ માટે શાહરૂખ માટે કામ કરી રહી હોવાથી તેના પરિવાર સાથે પણ પૂજા દદલાનીનો સારો ઘરોબો છે.
ડ્રગ્સ કેસની વાત કરીએ તો, મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ પર કથિત રેવ પાર્ટી થવાની હોવાની માહિતી મળ્યા બાદ એનસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ટીમે આર્યન ખાન તેમજ અન્ય સાત લોકોની ધરપકડ કરી હતી. બાદમાં આ મામલે કુલ ૨૦ની ધરપકડ થઈ હતી. જેમાં જે નાઈજીરિયાના નાગરિકનો પણ સમાવેશ થતો હતો.SSS