પૂરક ચાર્જશીટમાં મેહુલ ચોકસી પર પુરાવા નાશ કરવાનો આરોપ
નવીદિલ્હી: સીબીઆઇએ ગીતાંજલિ ગ્રુપ ઓફ કંપનીઝના પુર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ સુનીલ વર્મા અને અન્યો વિરૂદ્ધ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા ૭,૦૮૦ કરોડ રૂપિયાથી વધુની થયેલી છેતરપિંડી કેસમાં ચાર્જશીટ દાખલ કર્યું છે. આ જ કેસમાં ગીતાંજલિ ગ્રુપના પ્રમોટર મેહુલ ચોક્સી વોન્ટેડ છે. પુરક ચાર્જશીટમાં ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી વિરૂદ્ધ પહેલી જ વાર પુરાવા નષ્ટ કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે. ચોક્સી ગયા મહિને ડોમિનિકા ભાગી જતાં ભારતના અધિકારીઓ ત્યાંથી ભારતમાં પ્રત્યર્પણ માટે નવેસરથી પ્રયાસ કરી રહ્યા છે.
સીબીઆઇ દ્વારા દાખલ થયેલા પુરક ચાર્જશીટમાં પંજાબ નેશનલ બેન્કના બે અધિકારી સાગર સાવંત અને સંજય પ્રસાદ ઉપરાંત ગિલી જૂથ અને નક્ષત્ર બ્રાન્ડના નિદેશક ધનેશ સેઠનો પણ આરોપી તરીકે ઉલ્લેખ છે. ચોક્સી અને તેની કંપનીઓ વિરૂદ્ધ પ્રથમ ચાર્જશીટ દાખલ કર્યા પછી સપ્તાહથી ઓછા સમયમાં પુરક ચાર્જશીટ દાખલ થઇ છે. આ ચાર્જશીટ ડોમિનિકાની એક અદાલતમાં ભાગેડુ હીરાના વેપારી વિરૂદ્ધ ચાલી રહેલી કાનુની કાર્યવાહી સાથે મેળ ખાય છે. એનિટગુઆ અને બારબુડા ખાતેથી રહસ્યમયી રીતે લાપતા થઇને પડોશી દેશ ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશ કર્યા બદલ તેની મેહુલ ચોક્સીની ૨૪મેના રોજ ધરપકડ થઇ હતી.
સીબીઆઇએ જણાવ્યા મુજબ ચોક્સીની કંપનીઓ પર એલઓયૂ અને એફએલસીના માધ્યમથી કુલ રૂપિયા ૭૦૮૦ કરોડની હેરાફેરીના આક્ષેપ છે. નીરવ મોદી અને તેની કંપનીઓ સામે આ જ રીતે રૂપિયા ૬,૪૯૮ કરોડથી વધુની છેતરપિંડી કર્યાના આક્ષેપ છે. એજન્સી દ્વારા અત્યારસુધી થયેલી તપાસમાં બહાર આવ્યું છે કે ચોક્સીની કંપનીઓને ૧૬૫ એલઓયૂ અને ૫૮ એફએલસી જારી કરવામાં આવ્યા હતા.