પૂરથી અસમ, મેઘાલય અને ત્રિપુરામાં ભારે તબાહી થઈ
નવી દિલ્હી, ભારે વરસાદ બાદ આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે પૂર્વોત્તરના વિસ્તારમાં તબાહી મચી છે. અસમ, મેઘાલય, ત્રિપુરા અને અરૂણાચલ પ્રદેશમાં લાખો લોકો આ પૂરથી પ્રભાવિત થયા છે. અહીં ઘણા લોકો બેઘર થયા, પાક નષ્ટ થયો, રસ્તા તૂટી ગયા અને રેલ સેવાને પણ અસર પડી છે.
તો પૂરને કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. કુદરતના કહેર સામે લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સરકારે શરૂ કરેલી રાહત શિબિરોમાં લોકો હાલ પોતાના દિવસો પસાર કરી રહ્યાં છે. અસમ અને મેઘાલયમાં છેલ્લા બે દિવસમાં પૂર અને ભૂસ્ખલનમાં ૩૧ લોકોના મોત થયા છે.
અસમના ૨૮ જિલ્લામાં આશરે ૧૯ લાખ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે એક લાખ જેટલા લોકો રાહત શિબિરમાં છે. પૂરમાં અસમમાં ૧૨ તો મેઘાલયમાં ૧૯ લોકોના મોત થયા છે. ત્રિપુરાની રાજધાની અગરતલા પણ પૂરનો સામનો કરી રહી છે. શહેરમાં માત્ર ૬ કલાકમાં ૧૪૫ મિમી વરસાદ થયો છે.
અસમમાં આશરે ૩ હજાર ગામડામાં પૂર આવ્યું છે અને ૪૩૦૦૦ હેક્ટર કૃષિ ભૂમિ પાણીમાં ડૂબી ગઈ છે. ઘણા બાંધ, પુલ અને રસ્તાને નુકસાન પહોંચ્યું છે. હોજઈ જિલ્લામાં પૂર્વ પ્રભાવિત લોકોને લઈને જઈ રહેલી એક હોડી ડૂબી ગઈ, જેમાં ત્રણ બાળકો લાપતા છે, જ્યારે ૨૧ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
અસમ સરકારે પૂર અને ભૂસ્ખલનને કારણે ફસાયેલા લોકો માટે ગુવાહાટી અને સિલચર વચ્ચે વિશેષ ઉડાનોની પણ વ્યવસ્થા કરી છે.આ સાથે મેઘાલયમાં અચાનક આવેલા પૂરે તબાહી મચાવી છે. દક્ષિણ ગારો હિલ્સ જિલ્લાના બાધમારામાં અચાનક આવેલા પૂરને કારણે ૩ અને સિજૂમાં ભૂસ્ખલનથી એકના મોતના સમાચાર છે.
આ સાથે પ્રાકૃતિક આપદામાં મૃત્યુ પામેલા લોકો માટે મુખ્યમંત્રી કાનરાડે વળતરની જાહેરાત કરી છે. ત્રિપુરામાં શુક્રવારથી સતત વરસી રહેલાં વરસાદ બાદ પૂરને કારણે રાજ્યમાં ૧૦ હજારથી વધુ લોકો બેઘર થયા છે. તો છેલ્લા એક મહિનાથી ટ્રેન સેવાને અસર પડી છે.
અધિકારીઓએ કહ્યું કે આ વચ્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ-૬ પર ભારે વરસાદને કારણે આવેલા ભૂસ્ખલન બાદ ગુરૂવારે ત્રિપુરા અને દેશના બાકી ભાગ વચ્ચે જમીની સંપર્ક તૂટી ગયો.પૂરનો પ્રકોપ પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં અગરતલા અને તેની આસપાસના વિસ્તાર સુધી સીમિત છે, જ્યાં હાવડા નદીનું જળસ્તર ખુબ વધી ગયું છે અને અગરતલા કોર્પોરેશન તથા તેના નિચાણવાળા વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે.
પાડોશી રાજ્ય અરૂણાચલ પ્રદેશમાં સુબનસિરી નદીના પાણીએ એક બાંધને જળમગ્ન કરી દીધો છે, જ્યાં એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું. મેઘાલય, અસમ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના અલગ-અલગ ભાગ પર વધુ વરસાદ નોંધાયો છે અને નાગાલેન્ડ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદ થયો છે.
મણિપુરના ઇમ્ફાલ વેસ્ટ જિલ્લામાં પૂરને કારણે એક વ્યક્તિના મોત બાદ કુલ મૃત્યુઆંક વધીને સાત થઈ ગયો છે. ઇમ્ફાલમાં શનિવારે સવારે વરસાદ ઓછો થયો પરંતુ થાઉબલ, ઇમ્ફાલ વેસ્ટ અને બિષ્ણુપુરમાં સ્થિતિમાં હજુ સુધાર થયો નથી. રાહત અને બચાવ વિભાગ દ્વારા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ઇમ્ફાલ વેસ્ટ જિલ્લામાં ડૂબવાથી એક માછીમારનું મોત થયું છે. રાજ્યમાં પૂરથી ક્ષતિગ્રસ્ત મકાનોની સંખ્યા વધીને ૨૨૬૨૪ થઈ ગઈ છે.
મિઝોરમમાં પૂરને કારણે અત્યાર સુધી ૧૦૬૬ પરિવારોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પુનર્વાસ વિભાગના અધિકારીઓએ ૧૫ જૂને આ જાણકારી આપી હતી. સૌથી વધુ દક્ષિણ મિઝોરમનો લુંગલેઈ જિલ્લો પ્રભાવિત થયો છે. તલાબુંગ ગામ અને પાસેના ગામ પૂરની ઝપેટમાં છે.
અધિકારીઓએ જણાવ્યું કે મેઘાલયના મૌસિનરામ અને ચેરાપૂંજીમાં ૧૯૪૦ બાદથી રેકોર્ડ વરસાદ થયો છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા ૬૦ વર્ષમાં અગરતલામાં આ ત્રીજાે સૌથી વધુ વરસાદ છે. અચાનક આવેલા પૂરને કારણે તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. મેઘાલયના મુખ્યમંત્રીએ પૂરમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ચાર લાખની સહાયતા આપવાની જાહેરાત કરી છે.ss1kp