Western Times News

Gujarati News

પૂર્ણેશ મોદીને છેલ્લી ઘડીએ જ કેબિનેટ મંત્રી બનાવાયા

સુરત, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના એક સમયના ખાસ અને હાલના વિરોધી જુથના ગણાતા પુર્ણેશ મોદીનું નામ ગુજરાતના મંત્રી મંડલમાં છેલ્લે સુધી ન હતું. પરંતુ તેમણે છેલ્લી ઘડીએ ધમાકેદાર એન્ટ્રી થઈ એટલું જ નહીં પણ તેમને કેબીનેટ મંત્રી બનાવાતા સુરત ભાજપના અનેક નેતાઓ ચોંક ગયાં છે. હાલમાં સુરત ભાજપમાં જે જુથબંધી ચાલી રહી હતી તેના કારણે મોટા ભાગના નેતાઓ પુર્ણેશ મોદીથી દુર ભાગતાં હતા તેઓ માટે પુર્ણેશ મોદીનું નામ આંચકા સમાન મનાઈ રહ્યું છે. પુર્ણેશ મોદીના મંત્રી બનવા પાછળ સંઘની લાઈન હોવાનું ચચાઈ રહ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ ચોંકાવનારૃ હતું તેવી જ રીતે મંત્રી મંડળમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય પુર્ણેશ મોદીનું નામ સુરત અને દક્ષિણ ગુજરાત માટે ચોંકાવનારૂ સાબિત થયું છે.

ગુજરાતના કેબીનેટ મંત્રી તરીકે પુર્ણેશ મોદીનું નામ છેક છેલ્લી ઘડીએ જાહેર થયું હતું. સુરતના એક બાદ એક ત્રણ ધારાસભ્યોના નામ મંત્રી તરીકે જાહેર થયાં અને દક્ષિણ ગુજરાતના ત્રણ ધારાસભ્યોના નામની જાહેરાત થઈ ગઈ હતી. સુરત અને દક્ષિણ ગુજરાતના છ મંત્રીઓની જાહેરાત થયાં બાદ હવે કોઈ નવી જાહેરાત નહીં થાય તેવું મનાઈ રહ્યું હતું પરંતુ સુરતમાં પુર્ણેશ મોદીના સમર્થકોએ મોદીનું નામ જાહેર ન થયું હોવા છતાં શપથવિધિમાં જવા માટે નિકળી ગયાં હતા.

તેઓ કહેતાં હતા કે પુર્ણેશ મોદી મંત્રી છે અને તે પણ કેબીનેટ કક્ષાના મંત્રી જાહેર થશે. સમર્થકો આ વાત કરતાં હતા ત્યારે બધા હસતા હતા પરંતુ ત્યા બાદ ગણતરીના કલાકોમાં જ પુર્ણેશ મોદીના નામની જાહેરાત થઈ ગઈ અને તેમને કેબીનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે. પુર્ણેશ મોદીને મંત્રી બનાવવા પાછળ મોદીની સંઘ પરિવાર સાથેના સંબંધ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પુર્ણેશ મોદી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પહેલા સી.આર. પાટીલ ગુ્રપના હતા પરંતુ વિધાનસભાની પેટા ચુંટણી બાદ અચાનક સમીકરણ બદલાયા અને પુર્ણેશ મોદીએ પોતાનું અલગ ગ્રુપ બનાવી દીધું હતું. જાેકે, ત્યાર બાદ સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બનતાં પુર્ણેશ મોદી જુથ હાંસિયામાં મુકાઈ ગયું હતું. ત્યાર બાદ સુરત મ્યુનિ.ની ચુંટણી પહેલાં પુર્ણેશ મોદી જુથનો સફાયો કરી દેવાયો હતો.

દરમિયાન મંત્રી મંડળની રચના પહેલાં પણ પુર્ણેશ મોદીનું નામ નહીં હોય તેવી વાતો શરૃ થઈ ગઈ હતી. જેના કારણે છેલ્લી ઘડી સુધી પુર્ણેશ મોદીનું નામ ચર્ચામાં ન હતું પરંતુ છેલ્લે છેલ્લે ધમાકેદાર એન્ટ્રી સાથે મોદી કેબિનેટ મંત્રી બનીને આવ્યા છે. જે સુરત ભાજપના કેટલાક નેતાઓ પુર્ણેશ મોદીના કાર્યક્રમમાં ન જવા માટે કોર્પોરેટરોને ખાનગીમાં સુચના આપતાં હતા તેઓની હાલત હવે કફોડી થશે. ભાજપની આ જુથબંધીની લડાઈમાં નાના કાર્યકરો અને કોર્પોરેટોરનો મરો થશે તેવી ચર્ચા થઈ રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.