પૂર્વોત્તરના રાજ્યોમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધતા કેન્દ્રે ટીમો મોકલી
નવીદિલ્હી: દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઓછી જરૂર થઈ છે પરંતુ કેન્દ્ર સરકાર કોઈ કચાસ નથી રાખી રહી. હાલના સમયમાં નાના રાજ્યો, ખાસ કરીને પૂર્વોત્તરના રાજ્યોમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થયા બાદ કેન્દ્ર સરકારે છ રાજ્યોમાં ટીમો મોકલી દીધી છે. કોવિડ-૧૯ પર નિયંત્રણ માટે છ રાજ્યોમાં આ ટીમો મોકલી દેવામાં આવી છે. તેમાં અરૂણચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, ઓડિશા, કેરળ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.
રાજ્યોમાં મોકલવામાં આવેલી ઉચ્ચ સ્તરીય ટીમોમાં એક ક્લીનિશિયન અને એક લોક સ્વાસ્થ્ય નિષ્ણાંતનો સમાવેશ થાય છે. જાણકારી અનુસાર, ટીમ ત્યાં કોવિડ-૧૯ મેનેજમેન્ટ, દેખરેખ, કન્ટેનમેન્ટ ઓપરેશસંસ અને ટેસ્ટિંગ જેવા કામને સંભાળશે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ટીમ આ રાજ્યોમાં કોવિડની સ્થિતિનું મુલ્યાનકન કરશે અને જરૂરી ઉપાયો સજેસ્ટ કરશે. મહત્વનું છે કે અરૂણાચલ પ્રદેશમાં એક જુલાઈએ પાછલા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૨૮૬ નવા કેસ સામે આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૩૬ હજારની પાસે પહોંચી ગઈ છે. રાજ્યના એસએસઓ ડો. એલ જામ્પાએ ગુરુવારે જણાવ્યું હતું કે પાછલા ૨૪ કલાકમાં સંક્રમણથી ચાર લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા ૧૭૨ થઈ ગઈ. રાજ્યમાં અત્યારે ૨,૭૬૨ લોકોની કોરોના વાયરસ સંક્રમણથી સારવાર ચાલી રહી છે.
તેમણે જણાવ્યું કે કોવિડ-૧૯ના નવા કેસોમાં કેપિટલ કોમ્પ્લેક્સ ક્ષેત્રમાં સૌથી વધારે ૭૧, અપર સુબનસિરીમાં ૨૯, લોઅર દિબાંગ વેલી તથા લોહિતમાં ૨૦-૨૦ નવા કેસો સામે આવ્યા છે. રાજ્યમાં દર્દીઓને સાજા થવાનો દર ૯૧.૮૨ ટકા છે. રાજ્યમાં હજી સુધી ૭.૬૫ લાખથી વધારે કોવિડ-૧૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે.