પૂર્વ અમદાવાદમાં ચિકનગુનિયા અને પશ્ચિમમાં ડેન્ગ્યુના કેસ વધ્યાં
અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં અત્યારે કોરોનાની સ્થિતિ સામાન્ય બની છે. પહેલાની સરખામણીમાં હવે નવા કેસ પણ ઘણાં ઓછા નોંધાઈ રહ્યા છે. પરંતુ અત્યારે અમદાવાદ શહેરમાં કોરોના નહીં પણ અન્ય બીમારીઓએ માથુ ઉંચક્યું છે.
શહેરમાં પાછલા ૧૦-૧૫ દિવસથી સતત વરસાદી વાતાવરણ અને વાદળછાયા માહોલને કારણે મચ્છરની ઉત્પત્તિમાં વધારો થયો છે. પરિણામે પૂર્વ અમદાવાદમાં ચિકનગુનિયાના કેસમાં ભારે ઉછાળો જાેવા મળી રહ્યો છે. લગભગ તમામ સોસાયટીઓ, ચાલી- વિસ્તારોમાં મેલેરિયાની સાથે સાથે ચિકનગુનિયાની ફરિયાદ સામે આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ચોમાસાની વિદાય થઈ રહી છે ત્યારે ભાદરવા મહિનામાં પણ ઘણો વરસાદ પડ્યો. સામાન્ય રીતે ભાદરવા મહિનામાં તાવના કેસ પ્રમાણમાં વધારે નોંધાતા હોય છે. પાછલા ૧૦-૧૫ દિવસથી શહરેરમાં વરસાદનું વાતાવરણ રહે છે અને હળવા કે ભારે ઝાપટાં પડતા રહે છે. આ કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાઈ રહેતાં મચ્છરની ઉત્તપત્તિ વધી ગઈ હોવાની ફરિયાદ નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે.
પૂર્વ અમદાવાદમાં ચિકનગુનિયાના કેસમાં એકાએક વધારો નોંધાયો છે, અમુક જગ્યાએ તો એક જ સોસાયટીમાં ૫-૨૫ દર્દી જાેવા મળી રહ્યા છે. ચિકનગુનિયામાં દર્દીનું શરીર લાલ થઈ જાય છે અને સાંધા જકડાઈ જાય છે. શરીરમાં થતા દુખાવાને કારણે લોકોએ તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચવુ પડે છે.
ફેમિલી ડોક્ટરો અને નાનામોટા દવાખાના બહાર તાવના દર્દીઓની લાઈનો લાગી છે. જ્યારે મોટી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દર્દીઓને દાખલ કરવામાં આવતા હોવાની પણ જાણકારી મળી છે.
પશ્ચિમ અમદાવાદની વાત કરીએ તો અહીં મચ્છરજન્ય ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ફીવરના કેસ વધી રહ્યા છે. એએમસીના આરોગ્ય વિભાગના ખાતામાં રોગચાળાના આંકડા સાવ સામાન્ય દર્શાવવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી અલગ છે.
મચ્છર નિયંત્રણ માટે દર વર્ષે દવા છંટકાવ, ફોગીંગ વગેરે પાછળ લાખો રુપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ ગુજરાત મચ્છર અને મલેરિયા મુક્ત નથી થઈ શક્યું. શહેરમાં બીમારીઓ વધી રહી છે ત્યારે લોકો માટે પણ સારવાર માટે પૈસા ખર્ચવા મુશ્કેલ બની ગયા છે. ઘણાં ડોક્ટરો તાવના લક્ષણ જાેઈને પ્રાથમિક સારવાર પણ નથી કરતા અને બ્લડ ટેસ્ટ કરાવવા લેબોરેટરીમાં મોકલે છે. મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ માટે બીમારી દરેક પ્રકારે આફત સમાન સાબિત થાય છે.