પૂર્વ કોર્પોરેટર જતીન પટેલનું નામ મતદાર યાદીમાં દાખલ કરવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદ, પાટીદારોના ગઢ ગણાતા ઘાટલોડિયા વોર્ડના પૂર્વ કોર્પોરેટર જતીન પટેલનું નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ જતાં ચૂંટણી લડવા સામે પ્રશ્ન ઊભો થયો છે. જેને પગલે જતીન પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે હાઈકોર્ટે જતીન પટેલનું નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટે આદેશ કર્યો છે.
આ પહેલા જતીન પટેલે પિતાનું નામ કમી કરવા માટે અરજી આપી હતી. જેમાં કલેક્ટર ઓફિસ દ્વારા પિતાના બદલે તેમનું નામ જ ડિલીટ કરી દેતાં વિવાદ થયો છે. તાજેતરમાં જતીન પટેલને મૌખિક રીતે મોવડીમંડળ દ્વારા ચૂંટણી લડવાની તૈયારી કરવા કહેવાયું હતું ત્યારે મતદાર યાદી જાેતાં પોતાનું નામ ડિલીટ થઈ ગયાનું ખબર પડી હતી.
હાલમાં મતદાર યાદી ફ્રીજ થઈ ગઈ છે. જાે મતદાર યાદીમાં નામ નહીં ઉમેરાય તો જતીન પટેલ ઉમેદવારી કરી શકશે નહીં. થોડા સમય પહેલાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલતો હતો ત્યારે તેમણે પોતાના પિતાનું અવસાન થતાં તેમનું નામ કમી કરવા માટે ફોર્મ ભર્યું હતું.
પિતાનું નામ કમી કરવાને બદલે કલેક્ટર ઓફિસ દ્વારા જતીન પટેલના નામ પર જ ડિલીટનો સિક્કો વાગી ગયો હતો. છેલ્લી બે ટર્મથી જતીન પટેલ ઘાટલોડિયામાં સતત ચૂંટાઈ આવે છે.