પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન, ૧૯૮૩ વિશ્વ કપ વિજેતા ટીમમાં સામેલ હતાં
નવીદિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર અને ૧૯૮૩ વિશ્વ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકેલા યશપાલ શર્માનું નિધન થયું છે. આજે સવારે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું. તેમની ઉંમર ૬૬ વર્ષ હતી.
યશપાલ શર્માએ ભારત માટે કુલ ૩૭ ટેસ્ટ મેચ રમી હતી જેમા તેમણે લગભગ ૩૪ની સરેરાશથી ૧૬૦૬ રન બનાવ્યા હતા. જ્યારે કુલ ૪૨ વનડે મેચમાં યશપાલ શર્માએ ૮૮૩ રન કર્યા હતા.
૧૯૮૩ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને જીતની શરૂઆત કરી હતી. જેમાં યશપાલ શર્માની મહત્વની ભૂમિકા હતી. જ્યારે તેઓ ક્રિઝ પર ઉતર્યા ત્યારે ટીમનો સ્કોર ૩ વિકેટના નુકસાન પર ૭૬ રન હતો જે જલદી જ પાંચ વિકેટ પર ૧૪૧ થયો હતો. શર્માએ ૧૨૦ બોલમાં ૮૯ રનની ઈનિંગ રમી, તેમણે સારા શોટ તો લગાવ્યા જ સાથે સાથે વિકેટ વચ્ચે રનિંગ પણ સારી હતી.
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આક્રમક ૪૦ રન હોય કે પછી ઈંગ્લેન્ડ વિરુદ્ધ મુશ્કેલ સ્થિતિમાં રમાયેલી ૬૧ રનની ઈનિંગ. શર્માએ ટુર્નામેન્ટમાં ૩૪.૨૮ની સરેરાશથી ૨૪૦ રન બનાવ્યા. ભારતે છેલ્લે વર્લ્ડ કપ પોતાને નામ કર્યો.