પૂર્વ ખાણ-ખનીજ મંત્રી રોહિતભાઇ પટેલનું નિધન
આણંદ: ગુજરાતનાં પૂર્વ ખાણખનીજ મંત્ર રોહિતભાઇ પટેલનું ૭૪ વર્ષે મંગળવારે કરમસદ હૉસ્પિટલમાં હાર્ટ એટેક આવતા નિધન થયુ છે. તેઓ મિલસન્ટ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીનાં ચેરમેનના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરીને શ્રદ્ઘાંજલિ પાઠવી છે. પૂર્વ ધારાસભ્યની અણધારી વિદાયથી રાજકીય વર્તુળમાં શોકની લાગણી વ્યાપી છે.
તેઓ વર્ષ ૨૦૧૪માં આણંદની ચૂંટણી જીત્યા હતા. જે બાદ તેમને રાજ્ય સરકારના ખાણ અને ખનીજ વિભાગના મંત્રી બનાવાયા હતા. તેઓ ત્રણ વર્ષ મંત્રીપદ પર રહ્યાં હતા. મિલસેન્ટ ગ્રુપનાં સીઈઓ, એચએસ બરાડે જણાવ્યું છે કે, રોહિતભાઇ પટેલને ઓક્ટોબર મહિનામાં કોવિડ ૧૯નું સંક્રમણ થયુ હતું જેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેઓ આ બીમારીમાંથી તો સાજા થઇ ગયા હતા અને તેમને ગયા અઠવાડિયે જ ઘરે લાવવામાં આવ્યા હતા. તેમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતા તેમના પરિવારે વિચાર્યુ હતું કે, તેઓ હૉસ્પિટલમાં જ રહે.
રોહિતભાઇ પટેલનાં નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ પણ ટિ્વટ કરી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી રોહિતભાઇ પટેલના અવસાનથી દુઃખ થયું. સામાજિક તથા ઔદ્યૌગિક ક્ષેત્રે એમનું યોગદાન સરાહનીય રહ્યું છે. નોંધનીય છે કે, રોહિતભાઇ પટેલ છેલ્લા ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. તેમણે લોકડાઉન દરમિયાન ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને રહેવા, જમવાની વ્યવસ્થા કરી અને વતન પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.