Western Times News

Gujarati News

પૂર્વ ઝોનની ૧પ મિલકતોનો રૂ.૧.૧૮ કરોડથી વધુ પ્રોપર્ટી ટેક્સ વસૂલવા તંત્રએ જાહેર હરાજીનું શસ્ત્ર ઉગામ્યું

પૂર્વ ઝોનમાં ટેક્સ વિભાગે ર૬૮ એકમ સીલ કરી રૂ.૪૬.ર૦ લાખ વસૂલ્યા

(એજન્સી) અમદાવાદ,

મેટ્રો સિટી અમદાવાદના વિકાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) સજ્જ છે અને નાગરિકોની સુખાકારી માટે સતત વિકાસકાર્યો હાથ ધરાતાં રહે છે. અમદાવાદીઓને સારા રોડ, પીવાનું પાણી અને ગટરની સુવિધા મળી રહે તે માટે તંત્ર અવારનવાર નવા નવા પ્રોજેકટ હાથ ધરે છે. આ તમામ વિકાસકાર્યો માટે કરોડો રૂપિયાના ભંડોળની જરૂર પડે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનો સૌથી મોટો સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા પ્રોપર્ટી ટેક્સની આવકમાં વૃદ્ધિ થાય તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના કડક આદેશ બાદ તમામ ઝોનના પ્રોપર્ટી ટેક્સ વિભાગે ટેક્સ ટેકસ ડિફોલ્ટર્સ સામે લાલ આંખ કરી છે અને હવે આ ઝુંબેશ વધુને વધુ આક્રમક બનતી જાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા ડેપ્યુટી મ્યુનિ. કમિશનરના માર્ગદર્શન હેઠળ સમયસર પ્રોપર્ટી ટેકસની ચુકવણી ન કરનારા ડિફોલ્ટર્સ સામે હવે ઝીરો ટોલરન્સ પોલિસી લાગુ કરવામાં આવી છે. પૂર્વ ઝોનમાં તંત્રએ ટેકસ ડિફોલ્ટર્સ સામે લાલ આંખ કરીને ર૬૮ એકમ સીલ કરી દીધા છે અને કસુરવારો પાસેથી કુલ રૂ.૪૬.ર૦ લાખના ટેક્સની વસુલાત કરી છે. આ ઉપરાંત પૂર્વ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા જે મિલકતોનો ટેક્સ ઘણા લાંબા સમયથી બાકી છે તેમની સામે બોજાનોંધની તૈયારી પણ કરી લેવામાં આવી છે. આગામી સમયમાં ૭/૧રના રેકોર્ડમાં જેમનો ટેકસ બાકી છે તેવી ૩૦૦થી વધુ મિલકતો સામે બોજાનોંધ કરવામાં આવશે તેવું પૂર્વ ઝોનના ડેપ્યુટી એસેસર અને ટેક્સ કલેકટર એક યાદીમાં જણાવે છે.

આ ઉપરાંત ટેક્સ વિભાગ દ્વારા ઘણા લાંબા સમયથી મિલકતવેરાની ભરપાઈ કરવામાં આવી નથી તેવી ૧પ મિલકતોના પ્રોપર્ટી ટેકસ ડિફોલ્ટર્સ સામે જાહેર હરાજીનું અમોઘ શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેર હરાજીની નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે આ ૧પ મિલકતોના માલિક અથવા કબજેદાર દ્વારા આગામી સાત દિવસની અંદર બાકી પ્રોપર્ટી ટેકસની ચુકવણી કરવામાં નહીં આવે તો આ તમામ મિલકતોની એકતરફી જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

તંત્ર દ્વારા આજે જાહેર કરવામાં આવેલી નોટિસમાં કુલ ૧પ ટેક્સ ડિફોલ્ટર્સને ચેતવણી આપવામાં આવી છે. ૧૯ નવેમ્બરની સ્થિતિ મુજબ ઓઢવ સર્કલ નજીક આવેલા માંગલ્ય બિઝનેસ પોઈન્ટની દુકાન નં.૩૦૧ના માંગલ્ય ડેવલપર્સનો રૂ.૧૪,ર૭,પ૩૬નો ટેકસ તંત્રના ચોપડે બાકી બોલે છે. ઓઢવના પપ, પંચજન્ય ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના અર્ચનાબહેન જૈનનો રૂ.૧૧,ર૩,૭૩૬, વટવા ફેઝ-૪ જીઆઈડીસીમાં આવેલી મિલકત ૩૭૦૩/બીના યુનિસન મેટલ પ્રા.લિ.નો રૂ.૧૦,પ૬,પ૦૧, નિકોલના પૂજન શોપિંગ સેન્ટરના ભોંયરામાં આવેલી મિલકતના કબજેદાર પૂજન ડેવલપર્સનો રૂ.૯,૬પ,૬૮પ, વટવા જીઆઈડીસી ફેઝ-આઈના ૭૭/૧ર મિલકતના કર ભરવાપાત્ર જીઆઈડીસી (કબજેદાર પી એન્ડ ટી રેસ્ટોરાં)નો રૂ.૯,રપ,૩૬૬, ઓઢવના ઓમ આર્કેડના ત્રીજા માળે આવેલી મિલકતના કબજેદાર મનુભાઈ આર. ડોબરિયા અને અન્યનો રૂ.૮,૯૩,૩૮૧, વિંઝોલ ક્રોસિંગ પાસેના શ્રીરામ વીડિયો, વિશ્વકુંજ સોસાયટીની મિલકતના કબજેદાર શ્રીરામ વીડિયો થિયેટરનો રૂ.૮,૭૦,ર૦રનો પ્રોપર્ટી ટેકસ વસૂલવા તંત્રએ નોટિસ આપી છે.

આ ઉપરાંત રાજેન્દ્રપાર્ક, નેશનલ હાઈવે નં.૮ પર આવેલા રાજ કોમ્પ્લેકસની મિલકત બી ૩૦૧-૩૦ર અને ૩૦૩ના કબજેદાર દિલીપભાઈ ગુપ્તાનો રૂ.૮,૭૦,૦ર૮, સેન્ટ જોસેફ હાઈસ્કૂલ સામે આવેલી મિલકત ૧૮૮૦/સી-૧ના કબજેદાર તૌખિરભાઈ ફઈદભાઈનો રૂ.૬,૪૬,૯ર૮, ઓઢવના ગુજન સિનેમા પાસી આવેલી મિલકત ૪પ૪, મોમાઈનગરનો રૂ.પ,૯પ,૧૪૭, સીટીએમના હરેકૃષ્ણા કોમ્પ્લેક્ષની મિલકત યુજી-૭એનો રૂ.પ,પ૭,૮૬પ, ઓઢવના ૪પ૪- મોબાઈલનગરનો રૂ.૪,૯૭,૦પ૭ ઓઢવના ૧ર, પંચજન્ય એસ્ટેટનો રૂ.૪,૪૮,ર૮૯ અને મહાદેવનગર, વસ્ત્રાલ ખાતે આવેલા શિવસાગર શોપિંગ સેન્ટરની મિલકત એસએફનો રૂ.૪,૧૭,ર૪૪ પ્રોપર્ટી ટેકસ ચૂકવવાનો બાકી છે. આમ, તંત્ર દ્વારા આજે પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેર નોટિસ અનુસાર પૂર્વ ઝોનની ૧પ મિલકતના ટેકસ ડિફોલ્ટર્સનો કુલ રૂ.૧,૧૮,૭૬,૧ર૦ પ્રોપર્ટી ટેક્સ તંત્રના ચોપડે બાકી બોલે છે. આ તમામ મિલકતોને બાકી ટેકસની ચુકવણી માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.