પૂર્વ ધારાસભ્યએ બાયડ ખાતે મિથીલીન બ્લ્યુની ૩૦૦૦ બોટલ નિઃશુલ્ક આપી
(પ્રતિનિધિ) બાયડ, વર્તમાનમાં કોરોના કાળના સંકટ સમયે કહેવાતા લોક પ્રતિનિધિઓ પ્રજા સાથે આંખમિચોલી કરી રહ્યા છે, ત્યારે બાયડ – માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા સતત તેમના મત વિસ્તારના લોકો માટે સેવાકીય કાર્યો કરી રહ્યા છે, કોરોના કાળમાં તેમના મત વિસ્તારના લોકોની આરોગ્યની બાબત હોય કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તેઓ સતત પ્રજાની પડખે રહી તંત્રમાં તેમજ સરકારમાં રજૂઆતો કરી રહ્યા છે.
બાયડ – માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલ સિંહ ઝાલાએ તાજેતરમાં માલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન તેમજ જરૂરી દવાઓ પોતાના સ્વખર્ચે ઉપલબ્ધ કરાવી,તંત્રમાં રજૂઆત કરી વાત્રક ખાતે ઓક્સિજન પ્લાન્ટ મંજૂર કરાવ્યો,બાયડના જીતપુર તેમજ આમોદરા ખાતે કોવિડ સેન્ટર શરૂ કરાવ્યા.
વધુમાં આજ રોજ કોરોના સંક્રમિત દર્દીઓના સારવાર માટે જરૂરી મિથીલીન બ્લ્યુ ની ૩૦૦૦ બોટલ જરૂરિયાત મંદ ઠાકોર સમાજ તેમજ અન્ય દરેક સમાજના લોકો માટે બાયડ ખાતે નિઃશુલ્ક આપી તેમજ હજી જરૂર પડે તો પણ શક્ય બને તેટલી વધુ મિથીલીન બ્લ્યુ ની બોટલ આપવા તૈયારી દર્શાવી એક લોકનેતા તરીકે પોતાનાથી બનતી તમામ મદદ લોકો સુધી પહોંચાડી રહ્યા છે
ઉલ્લેખનીય છેકે,બે દિવસ પહેલાં તેમના પિતરાઈ ભાઈ કોરોના સંક્રમિત થતાં તેમનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે,તેમજ તેમના સાળાને પણ બે દિવસ પહેલાં કોરોના ભરખી ગયો છે, કુટુંબમાં બે મરણ થવા છતાં આવી પરિસ્થિતિ વચ્ચે જરાય વિચલિત થયા વગર તેઓ પોતાના મતવિસ્તારના લોકોની સતત ચિંતા કરી જરૂરી મદદ પહોંચાડી રહ્યા છે.*