પૂર્વ પતિએ પત્ની પર ચપ્પાના અસંખ્ય વાર કરી પતાવી દીધી
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. પૂર્વ પતિએ મિત્રો સાથે મળીને મહિલાને ઘર નજીક જ એક પછી એક સંખ્યાબંધ છરીના ઘા મારીને લોહી લુહાણ કરી દીધી અને ત્યાંથી નાસી છૂટયા. જાે કે ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાનું મોત નીપજ્યું છે. અમદાવાદના વટવા વિસ્તારમાં યુવતીના પૂર્વ પતિએ તેની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં વિંઝોલ ક્રોસિંગ પાસે આવેલી સુખ સાગર સોસાયટીમાં રહેતી હેમા મરાઠી નામની મહિલાને તેના જ પૂર્વ પતિ અજય ઠાકોરે છરી ના ૨૦ થી વધુ ઘા મારીને હત્યા કરી હોવાનું ખૂલ્યું છે.
આ બાબતે યુવતીના હાલના પતિ મહેશ ઠાકોરએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે હેમા મરાઠીએ થરા ગામમાં રહેતા અજય ઠાકોર સાથે અગાઉ લગ્ન કર્યા હતા અને દોઢ વર્ષ પહેલા તેને મહેશ ઠાકોર સાથે પ્રેમ થઇ જતાં તેણે પોતાના પતિ અજય ઠાકોરને છૂટાછેડા આપ્યા હતા અને પોતાના બે બાળકો અજયને આપીને મહેશ ઠાકોર સાથે ચોટીલા મંદિરમાં ફુલહાર કર્યા હતા. અને ત્યારથી તેની સાથે રહેતી હતી.
હેમાના ઘરે તેનો પૂર્વ પતિ અજય ઠાકોર તેમજ તેના બે મિત્રો જેમાં એક ભાવેશ અને અન્ય એક શખ્સે જઈને ચપ્પુના ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. જાે કે આ સમગ્ર ઘટના પડોશીએ નરી આંખે જાેઈને મૃતક યુવતીના પતિને જણાવી હતી. જેથી મહેશ ઠાકોરે આ મામલે એક યુવતી સહિત ચાર વ્યક્તિઓ સામે વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ઇકો કારમાં આવેલા મૃતક યુવતીનો પૂર્વ પતિ અને તેના બે મિત્રો અને એક યુવતીની આ બાબતે સંડોવણી હોવાનું ખુલ્યું હતું. વટવા પોલીસે આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને યુવતીના હત્યારા પતિ ને ઝડપી લીધો છે અને અન્ય મિત્રોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.