પૂર્વ પ્રેમિકા અને તેના પતિને મારી નાખવા યુવકની ધમકી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/husbandwifefight--scaled.jpeg)
પ્રતિકાત્મક
સુરત, છેલ્લા દોઢ મહિનાથી રાજ્યમાં એક તરફી પ્રેમમાં યુવતીઓ અને મહિલાઓ પર હુમલાઓ વધી ગયા છે. ત્યારે સુરતના વરાછામાં પરિણીતાની સોસાયટીમાં ઘૂસીને ઉનાના પૂર્વ પ્રેમીએ તમાશો કર્યો હતો.
આ દરમિયાન તેણે પરિણીતાને સાથે આવવા દબાણ કરી લાફા માર્યા હતા અને તેને તથા તેના પતિને મારી નાખવાની પણ ધમકી આપતા મહિલાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વરાછામાં રહેતી ૨૨ વર્ષીય સુશીલા (નામ બદલ્યું છે) મૂળ ગીર સોમનાથ જિલ્લાની છે. ૩ વર્ષ પહેલા સુશીલા વતનમાં આવેલા ઘરનું રિનોવેશનનું કામ ચાલતું હતું ત્યારે સુરેશગિરી મેઘનાથી નામનો શખસ પ્લાસ્ટરનું કામ કરવા આવ્યો હતો અને પરિચલ કેળવ્યા બાદ સુશીલા સાથે મિત્રતા કરી હતી.
જાે કે, થોડા સમય બાદ કોઈ બાબતે અણબનાવ થતાં સુશીલાએ સંબંધ તોડી દીધા હતા અને સુરત ખાતે ભાઈને ઘરે રહેવા આવી ગઈ હતી અને ૮ મહિના પહેલા જ વરાછામાં રહેતા અન્ય યુવક સાથે રાજીખુશીથી કોર્ટ મેરેજ કર્યા હતા.
આ દરમિયાન ગત ૨૨મીએ પતિ નોકરીએ ગયા બાદ સુશીલા કામથી બહાર નીકળી હતી ત્યારે સુરેશગિરી સોસાયટીની બહાર ઉભો હતો અને સુશીલાને જાેતા જ કહ્યું કે, મારી મરી જવું છે, તું પણ મારી સાથે આવ. સુશીલાએ ના પાડી દેતા ઉશ્કેરાયેલા સુરેશે ઝઘડો કરીને સુશીલાને લાફા માર્યા હતા.
જાે કે, સુશીલા પતિને ફોન કરતા સુરેશગિરી ત્યાંથી ભાગી ગયો હતો. આટલું બધુ થયા પછી પણ સુરેશગિરીની હિંમત વધી ગઈ અને ગતરોજ તે ફરીથી સુશીલા જ્યાં રહેતી હતી તે સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો અને બૂમાબૂમ કરી તમાશો કર્યો હતો અને જાે તું મારી સાથે નહીં આવે તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.SSS