પૂર્વ ભારતીય ગોલકીપર પ્રશાંત ડોરાનું નિધન થયું
નવીદિલ્હી, ભારતીય ફૂટબોલ ટીમ ના પૂર્વ ગોલકીપર પ્રશાંત ડોરાનું નિધન થયું છે. તે ફક્ત ૪૪ વર્ષના હતા. પૂર્વ ગોલકીપરના પરિવારમાં શોકની લાગણી છવાઇ છે પ્રશાંત ડોરાના પરિવારમાં પત્ની અને ૧૨ વર્ષનો પુત્ર છે. ડોરાના મોટા ભાઇ હેમંત, ભારતના અને મોહન બાગાનના પૂર્વ ગોલકીપર રહી ચુક્યા છે તેમણે આ દુઃખદ સમાચાર આપ્યા છે.
હેમંતના જણાવ્યા અનુસાર, પ્રશાંતને સતત તાવ આવતો હતો, ત્યારબાદ ડિસેમ્બરમાં તેનું નિદાન કરતા હિમોફેગોસિટીક લિમ્ફોહિસ્ટોસાઇટોસિસની બિમારી થઇ હતી. આ બીમારી સીધી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે, જે ચેપ અથવા કેન્સર જેવા રોગોનું પરિબળ બની શકે છે.તેમના મોટા ભાઈએ કહ્યું, ‘પ્રશાંતની પ્લેટલેટ્સમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને ડોક્ટરોએ આ રોગના નિદાન માટે લાંબો સમય લીધો હતો.
ત્યારબાદ તેની ટાટા મેડિકલ (ન્યૂટાઉનમાં કેન્સર ઇન્સ્ટિટ્યૂટ) માં સારવાર ચાલી રહી હતી. અમે તેને સતત રક્ત આપતા હતા, પરંતુ તે જીવી શક્યો નહીં અને તેણે આ દુનિયાને અલવિદા કહી દીધુ.ભારત તરફથી રમતા ભાઈઓની પ્રખ્યાત જાેડીમાં હેમંત અને પ્રશાંત હતા. પ્રશાંતે ૧૯૯૯ માં થાઇલેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને સૈફ કપ અને સૈફ ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમને ૧૯૯૭-૯૮ અને ૧૯૯૯ માં સંતોષ ટ્રોફીનો સર્વશ્રેષ્ઠ ગોલકીપર જાહેર કરાયો. તેણે ટોલીગંજ ફોરવર્ડ વતી કારકિર્દીની શરૂઆત કરી અને તે કલકત્તા પોર્ટ ટ્રસ્ટ, મોહમ્મદન સ્પોર્ટિંગ, મોહન બાગાન અને પૂર્વ બંગાળ તરફથી પણ રમ્યો.HS