પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કોરોનાને હરાવ્યો
અમદાવાદ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે ૧૦ દિવસમાં કોરોનાને માત આપી છે. કેશુભાઈ પટેલના કેરટેકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરના અન્ય લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
જે દરમિયાન ગત ૧૮ સપ્ટેમ્બરના રોજ કેશુભાઈ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરની સલાહ મુજબ તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની નજર હેઠળ છેલ્લા ૧૦ દિવસથી તેમની સ્વાસ્થ્યની સંભાળ રાખવામાં આવતી હતી. ૧૦ દિવસ બાદ આજ રોજ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેશુભાઈ ૧૯૯૫ અને ૧૯૯૮ થી ૨૦૦૧ સુધી એમ કુલ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહી ચૂક્યા છે. તેઓ ભાજપના પણ સિનિયર નેતા હોવાથી તેમનો રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પણ તેમના ખબર અંતર પૂછ્યા હતા.