પૂર્વ રાજ્યપાલ-CBI ડિરેક્ટર અશ્વિની કુમારે આત્મહત્યા કરી
શિમલા: મણિપુર અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ અને સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર અશ્વિની કુમારનું નિધન થયું છે. ૭૦ વર્ષના અશ્વિની કુમાર શિમલા પોતાના ઘરમાં ફાસીના ફંદા પર ઝૂલતા જોવા મળ્યા હતાં. એસપી શિમલા મોહિત ચાવલાએ આ વિશે પુષ્ટિ કરી હતી. શરુઆતની જાણકારી અનુસાર, અશ્વિનીએ આત્મહત્યા કરી છે. જોકે, તેમના આવું કરવા પાછળનું કારણ શું રહ્યું, તેની તો ખબર નથી. હિમાચલના સિરમૌર રહેવાસી અશ્વિની કુમાર ૧૯૭૩ બેચના આઈપીએસ ઓફિસર હતાં. હિમાચલ પ્રદેશના ડીજીપી, સીબીઆઈના ડિરેક્ટર સહિત અનેક પદો પર તેમણે પોતાની કાબેલિયતનો પરચો આપ્યો હતો.
અશ્વિનીએ વર્ષ ૨૦૦૬માં હિમાચલ પ્રદેશ પોલીસના ડીજીપીનો ચાર્જ લીધા પછી અહીં અનેક સુધારાઓ કર્યા હતાં. હિમાચલ પોલીસના ડિજિટલીકરણ અને પોલીસ સ્ટેશનમાં કોમ્પ્યુટરના ઉપયોગની શરુઆત તેમણે જ કરાવડાવી હતી. તેમના જ કાર્યકાળમાં ફરિયાદોના ઓનલાઈન રજિસ્ટ્રેશન જેવી વ્યવસ્થા શરુ કરાવી હતી. જેથી દૂરના પહાડી વિસ્તારમાં રહેતા લોકોને પોલીસ સ્ટેશનમાં આવવાથી છૂટકારો મળ્યો.
અશ્વિની કુમારને જુલાઈ ૨૦૦૮માં સીબીઆઈ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતાં. અશ્વિની સીબીઆઈ ડિરેક્ટર બનનાર હિમાચલ પ્રદેશના પહેલા પોલીસ ઓફિસર હતા. મે ૨૦૧૩માં તત્કાલીન યુપીએ સરકારે તેમને પહેલા નાગાલેન્ડના ગવર્નર બનાવ્યા અને પછી જુલાઈ ૨૦૧૩માં તેમને જ મણિપુરના ગવર્નર પણ બનાવ્યા હતાં.