પેંગોંગ લેકમાં ચીનનો મુકાબલો કરવા સૈનિકોને નવી અત્યાધુનિક બોટો અપાશે
નવી દિલ્હી, લદ્દાખ મોરચે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે ભારતીય સૈનિકોને અત્યાનિક બોટો પૂરી પાડવાનો નિર્ણય લેવાયો છે.
આ બોટો વધારે મોટી અને વધારે ઝડપી હતી અને તેને એ રીતે બનાવવામાં આવી રહી છે કે, જો ચીની બોટની ટક્કર વાગે તો પણ તેને કોઈ નુકસાન ના થાય.ભારતીય બોટમાં બહારની સપાટીએ સ્ટીલની પ્લેટો જડી લેવામાં આવશે.નવી બોટમાં વધારે સૈનિકો બેસી શકશે.
ચીનની આક્રમકતાનો મુકાબલો કરવા માટે બનાવાઈ રહેલી બોટમાં ભારતીય સૈનિકો વધારે સુરક્ષીત રહીને ફાયરિંગ પણ કરી શકશે.આ બોટ ભારતના જ એક શિપયાર્ડમાં બનાવાઈ રહી છે.જેમાં નજર રાખવા માટેના અને સંદેશાવ્યવહાર માટેના અત્યાધુનિક ઉપકરણઓ પણ લગાવવામાં આવશે.દરેક બોટમાં 30 થી 35 સૈનિકો સવાર થઈ શકશે.
અત્યારે જે બોટ ભારતના સૈનિકો પાસે છે તેમાં 10 થી 12 સૈનિકો જ બેસી શકે છે.જેની સામે ચીનની બોટમાં 30 જેટલા સૈનિકો સવાર હોય છે.
ઉલ્લેખનીય છે કે, ચીન અને ભારત વચ્ચે પેંગોંગ લેકના કિનારાના વિસ્તારો પર સાત મહિનાથી તનાવ ચાલી રહ્યો છે.આ તનાવની શરુઆત આ જ વિસ્તારમાં થયેલી અથડામણ બાદ થઈ હતી.