પેઈડ વેકસીન: મ્યુનિ. હોદ્દેદારોની જાણ બહાર અધિકારીઓ ખેલ કરી ગયા !
પેઈડ વેકસીનનો વેપાર બંધ કરવા કોંગ્રેસની રજુઆત
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ૧૮ થી ૪૪ વય જુથમાં કોરોનાની “પેઈડ રસી” શરૂ કરવા મામલે વિવાદ જાેર પકડી રહયો છે. કેન્દ્ર સરકારે “સ્પોટ રજીસ્ટ્રેશન”ની કરેલી જાહેરાતનો રાજય સરકારે અમલ કર્યો નથી. જયારે જીએમડીસી મેદાનમાં “સ્પોટ રજીસ્ટ્રેશન” સાથે પેઈડ રસીકરણ શરૂ કરવામાં આવ્યુ છે.
આ મામલે અધિકારીઓ તેમના “ખેલ” કરી ગયા છે અને સતાધીશો વધુ એક વખત ઉઘતા ઝડપાયા છે. અધિકારીઓ અને સતાધીશોની આ રમતમાં પ્રજા પીસાઈ રહી છે તેમજ તાકીદે પેઈડ રસી બંધ કરવા દરીયાપુરના કોંગી કોર્પોરેટરોએ મેયર અને કમિશ્નરને આવેદનપત્ર આપ્યુ છે.
અમદાવાદ શહેરમાં ૮ થી ૧૪ મે દરમ્યાન કોરોના રસીના માત્ર પ૦ હજાર ડોઝ આપવામાં આવ્યા હતા વાવાઝોડાના કારણે વેકસીનેશન પ્રક્રિયા પર અસર થઈ હોવાના દાવા મ્યુનિ. અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. વાવાઝોડાના પગલે ત્રણ સ્થળે વિનામુલ્યે ડ્રાઈવ થ્રુ વેકસીનેશન ચાલી રહયા હતા તે પણ બંધ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ અચાનક ર૬ તારીખે મ્યુનિ. કોર્પોરેશન તરફથી જીએમડીસી મેદાન ખાતે પેઈડ ડ્રાઈવ થ્રુ વેકસીનેશનની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સ્પોટ રજીસ્ટ્રેશનને સ્થાન આપવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ પણ રાજય સરકારે “સ્પોટ રજીસ્ટ્રેશન” માટે નનૈયો ભણ્યો હતો જયારે જીએમડીસી મેદાન પર સ્પોટ રજીસ્ટ્રેશન થઈ રહયુ છે
તેમજ ખાનગી હોસ્પીટલ દ્વારા વેકસીન દીઠ રૂા. એક હજાર ચાર્જ લેવામાં આવી રહયો છે. સુત્રોએ જણાવ્યા મુજબ ડ્રાઈવ થ્રુ, પેઈડ વેકસીનનો સમગ્ર ખેલ મ્યુનિ. કોર્પોરેશન અને રાજય સરકારના અધિકારીઓએ દ્વારા પુરો કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ મામલે વિધિવત પ્રેસનોટ જાહેર કરવામાં આવ્યા બાદ મ્યુનિ. હોદ્દેદારોને તેની જાણ થઈ હતી. જાેકે વિપક્ષ દ્વારા આ દાવા- ખુલાસાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ એપોલો હોસ્પીટલને વેકસીન કેન્દ્રની મંજુરી રાજય સરકારે આપી છે તેમજ જીએમડીસી મેદાન ગુજરાત યુનીવર્સીટીની માલિકીનું છે તેથી આ ડ્રાઈવ થ્રુ પેઈડ વેકસીન સાથે મનતાને કોઈ જ લેવા દેવા નથી. મ્યુનિ. કમિશ્નરે કયા કારણોસર પ્રેસનોટ જાહેર કરી તેનો જવાબ તેવો જ આપી શકે તેમ છે.
અમદાવાદમાં શરૂ થયેલ પેઈડ વેકસીનનો દરીયાપુર કોંગ્રેસના ચાર કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. યુવા કોર્પોરેટર નીરવ બક્ષીના જણાવ્યા મુજબ કોરોના કાળમાં આ રીતે વેકસીનનો વેપલો કરવામાં આવે તે શરમજનક બાબત છે. રાજય સરકાર અને મ્યુનિ. કોર્પોરેશને તમામ નાગરીકોને સરળતાથી વિનામુલ્યે વેકસીન મળે તેની વ્યવસ્થા કરવી જાેઈએ.
કોરોનાની સારવારના ખર્ચથી નાગરીકોની કમર તૂટી ગઈ છે તેવા સંજાેગોમાં વેકસીન દીઠ રૂા. એક હજાર લેવામાં આવે તે અત્યંત શરમજનક બાબત છે. મ્યુનિ. હોદ્દેદારોની જાણ બહાર કમિશ્નર આ પ્રકારના નિર્ણય કરી રહયા છે તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે મ્યુનિ. હોદ્દેદારો નિષ્ક્રિય છે અથવા મનપામાં અધિકારી રાજ ચાલી રહયુ છે તેવા સીધા આક્ષેપ પણ તેમણે કર્યા હતા તેમજ આ મામલે મેયર અને કમિશ્નરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે.