Western Times News

Gujarati News

પેગાસસ જાસુસીકાંડ મામલે સરકારે સંસદમાં જવાબ આપવો પડશે : રાહુલ ગાંધી

નવીદિલ્હી: વિપક્ષ કૃષિ કાયદો અને પેગાસસ જાસૂસી કેસને લઈને સંસદનાં બંને ગૃહોમાં સતત હંગામો પેદા કરી રહ્યો છે. સંસદમાં સરકારને ઘેરી લેવા વિપક્ષી નેતાઓએ બુધવારે બેઠક યોજી હતી. આ બેઠકમાં એક ડઝનથી વધુ વિરોધી પક્ષોએ ભાગ લીધો હતો. બેઠક બાદ કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, અમારો એક જ સવાલ છે કે દેશની સરકારે પેગાસસ ખરીદ્યો છે કે નહીં. શું સરકારે પેગાસસ હથિયારનો ઉપયોગ અહીના લોકો પર કર્યો કે નહીં? રાહુલ ગાંધીએ કહ્યું કે,પેગાસસ હથિયારને માત્ર મારા વિરુદ્ધ જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટ, મીડિયા અને અન્ય લોકો સામે પણ ઉપયોગ કરાયો છે.

સરકારે આ કેમ કર્યું છે, તેનો જવાબ સંસદમાં આપવો જાેઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે સંસદને રોકવા માંગતા નથી પરંતુ અવાજ ઉઠાવવા માંગીએ છીએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર વિપક્ષ માટે આવા હથિયારનો ઉપયોગ કરી રહી છે જેનો ઉપયોગ આતંકવાદીઓ સામે થવો જાેઈએ. સરકારે પેગાસસ કેમ ખરીદ્યો તેનો જવાબ સરકારે આપવો જાેઇએ.

વિપક્ષી નેતાઓ સાથેની બેઠકમાં પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સરકાર વિપક્ષને એમ કહીને બદનામ કરી રહી છે કે અમે સંસદનાં કાર્યને અડચણરૂપ બની રહ્યા છીએ, જ્યારે અમે નાગરિકો, ખેડૂતો અને દેશની સુરક્ષાને લગતા સવાલો ઉભા કરીએ છીએ. વિપક્ષી નેતાઓએ ચર્ચાને લઇને સરકાર પર સતત દબાણ કર્યુ છે. રાહુલ કહ્યુ કે, અમે મોોંઘવારી,પેગાસસ અને ખેડૂતોનાં મુદ્દાઓ પર સમાધાન કરવા માંગતા નથી. અમે ગૃહમાં ચર્ચા માંગીએ છીએ. શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને કૃષિ કાયદાનાં મુદ્દાઓ પર સંપૂર્ણ વિપક્ષ એક છે અને રહેશે.

પેગાસસ પર સરકારે જવાબ આપવો પડશે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પહેલા વિપક્ષી પાર્ટીઓની મહત્વની બેઠક પણ આજે સંસદમાં રાખવામાં આવી છે. આ બેઠકમાં કોંગ્રેસ સહિત એનડીએની બહાર મોટાભાગનાં મોટા પક્ષો હાજર રહ્યા હતા. બેઠકમાં સંસદમાં સતત ધાંધલધમાલ અને કાર્યવાહી નહીં થવાની વાત કરવામાં આવી હતી. જે બાદ ૧૪ વિપક્ષી પાર્ટીઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. બેઠકમાં કોંગ્રેસ, શિવસેના, સીપીઆઈ, સીપીએમ, આરજેડી, ડીએમકે અને આપ જેવા વિરોધી પક્ષો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.