Western Times News

Gujarati News

પેગાસસ જાસૂસીની તપાસ માટે ૩ સભ્યની કમિટી રચાઈ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે પેગસસ જાસૂસી મામલે થયેલા વિવાદની તપાસ કરવા માટે એક્સપર્ટ કમિટિની રચના કરી છે. આ કથિત જાસૂસીકાંડ દ્વારા કેટલાક લોકોની તેમજ સંસ્થાઓની જાસૂસી કરવામાં આવી હોવાના આક્ષેપ છે. જેમાં અમુક વ્યક્તિઓના ફોનમાં કથિત રીતે એક સોફ્ટવેર ઈન્સ્ટોલ કરી દેવાયું હતું, જેનાથી તેમના ફોન પર થતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવતી હતી.

ચીફ જસ્ટિસ એન.વી. રમન અને જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીએ આજે જણાવ્યું હતું કે, ત્રણ મેમ્બર્સની ટીમ આ મામલાની તપાસ કરશે, જેની આગેવાની સુપ્રીમના ભૂતપૂર્વ જજ આર.વી. રવિન્દ્રન કરશે. ઉલ્લેખનીય છે કે, આ મામલે રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આગળ ધરીને કેન્દ્ર સરકારે વિગતવાર સોગંદનામું દાખલ કરવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટે તપાસ સમિતિને બે મહિનાનો સમય આપ્યો છે.

કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, આપણે માહિતીના યુગમાં રહીએ છીએ અને ટેક્નોલોજી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તે આપણે માનવું રહ્યું, તેવામાં રાઈટ ટુ પ્રાઈવસીની રક્ષા થવી પણ જરુરી છે. દેશનો દરેક નાગરિક તેના રાઈટ ટુ પ્રાઈવસીનો ભંગ ના થાય તે માટે હક્કદાર છે, અને પેગાસસ સોફ્ટવેર દ્વારા કથિત જાસૂસી કરાતી હોવાના આક્ષેપ ગંભીર છે, જેનું સત્ય બહાર આવવું જરુરી છે.

આજે થયેલી સુનાવણીમાં કોર્ટે જણાવ્યું હતું કે સરકારે આ મામલામાં કોઈ ચોક્કસ ઈનકાર નથી કર્યો. તેવામાં પિટિશનર દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરાયેલી વિગતો સ્વીકારવા સિવાય બીજાે કોઈ વિકલ્પ નથી. કોર્ટ આ આક્ષેપોની તપાસ કરવા માટે એક્સપર્ટ કમિટિની રચના કરે છે, જે કોર્ટની નજર હેઠળ કામ કરશે. આ સમિતિમાં સુપ્રીમના પૂર્વ જજ ઉપરાંત આલોક જાેષી અને સંદીપ ઓબરોયનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોર્ટે જણાવ્યું હતું કે શરુઆતમાં ન્યૂઝ રિપોર્ટ્‌સનો આધાર લઈને પિટિશન્સ ફાઈલ કરવામાં આવી હતી. જેનાથી કોર્ટ સંતુષ્ટ નહોતી. જાેકે, ત્યારબાદ કેટલાક સીધા પીડિતો દ્વારા પિટિશન ફાઈલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ અંગે આપેલો જવાબ સંતોષકારક ના હોવાથી કોર્ટ પાસે કમિટિ બેસાડવા સિવાય બીજાે કોઈ વિકલ્પ નથી તેમ પણ આજની સુનાવણીમાં જણાવાયું હતું.

પેગાસસ સોફ્ટવેર ઈઝરાયેલની એક કંપની દ્વારા વિકસાવાયું છે. જેનું વેચાણ માત્ર સરકારોને જ કરવામાં આવે છે. આ સોફ્ટવેર પત્રકારો, હ્યુમન રાઈટ્‌સ એક્ટિવિસ્ટ તેમજ બિઝનેસ એક્ઝિક્યુટિવ્ઝની જાસૂસીના ઉપયોગમાં લેવા માટે જાણીતું છે.

આ સોફ્ટવેરને એક મિસ કોલ દ્વારા પણ કોઈના પણ સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરી શકાય છે. વોશિંગ્ટન પોસ્ટ અને ૧૬ મીડિયા પાર્ટનર્સની એક તપાસ અનુસાર, પેગાસસ દ્વારા ફોનથી જાસૂસી કરવામાં આવે છે. આમ તો આ સોફ્ટવેરને આતંકવાદી અને ગુનાઈત તત્વોની જાસૂસી કરવા માટે બનાવાયું હતું, પરંતુ હવે તેનો ઉપયોગ સરકારો જાસૂસી કરવા કરી રહી હોવાના આક્ષેપ છે.

આ જાસૂસી સોફ્ટવેરની સૌથી મહત્વની બાબત એ છે કે, તેને પકડી નથી શકાતું. જેના ફોનમાં તે ઈન્સ્ટોલ કરાયું હોય તેને તેનો અણસાર સુદ્ધા નથી આવતો. તે ખૂબ જ મામૂલી બેટરીનો યુઝ કરે છે. તેનું ડેટા કન્ઝપ્શન અને મેમરી પણ ખૂબ જ ઓછા છે. વળી, તે ચોક્કસ સમયગાળા બાદ તેની જાતે જ નાશ પણ પામે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.