પેગાસસ મામલે સોગંદનામું દાખલ નહીં કરે કેન્દ્ર સરકાર

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં સોમવારે પેગાસસ મામલે સુનાવણી થઈ. સુનાવણીમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે તે આ સંબંધમાં એફિડેવિટ દાખલ નહીં કરે. તેના પાછળનું કારણ જણાવતા કેન્દ્રએ જણાવ્યું કે આ પ્રકારના કેસમાં એફિડેવિટ દાખલ નથી કરાઇ શકતુ. પરંતુ તે જાસૂસીના આરોપોની તપાસ માટે પેનલની રચના કરવા માટે તૈયાર છે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ રમનાએ કડક વલણ અપનાવ્યું. તેમણે જણાવ્યું કે કોર્ટ જાણવા માંગે છે કે આખરે સરકારે આ મામલામાં શું કરી રહી છે. હકીકતમાં તેના પહેલાની સુનાવણીમાં કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરવા માટે બે વખત સમય માંગ્યો હતો, પરંતુ હવે તેમણે સ્પષ્ટ ન પાડી દીધી છે.
સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યું કે જાસૂસી માટે કોઇ ખાસ સોફ્ટવેરનો ઉપયોગ થયો છે કે નહીં, આ પબ્લિક ડોમેનનો મામલો નથી. આ મામલાની સ્વતંત્ર ડોમેન નિષ્ણાંતોની એક સમિતિ દ્વારા તપાસ કરી શકાય છે અને તેને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી શકાય છે.
પેગાસસ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સીજેઆઇ રમનાએ જણાવ્યું કે તમે ફરી એક જ વસ્તુ પર પાછા ફરી રહ્યા છો. અમે જાણવા માંગીએ છીએ કે સરકાર શું કરી રહી છે. પબ્લિક ડોમેન દલીલ પર કોર્ટે જણાવ્યું કે અમે રાષ્ટ્રીય હિતના મુદ્દાઓમાં નથી જઈ રહ્યા. અમારી મર્યાદિત ચિંતા લોકોની છે. જ્યારે કેન્દ્ર સરકારે સમિતિ બનાવવાની વાત કરી ત્યારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સમિતિની નિમણૂક કોઈ મુદ્દો નથી. તેના બદલે સોગંદનામાનો ઉદ્દેશ એ જાણવાનો છે કે તમે (સરકાર) ક્યાં ઉભા છો.
અદાલતમાં અરજદાર પત્રકાર એન રામ તરફથી હાજર રહેલા કપિલ સિબ્બલે જણાવ્યું કે જવાબ આપવો સરકારની જવાબદારી છે કારણ કે નાગરિકોની ગોપનીયતાનું રક્ષણ કરવું સરકારની ફરજ છે. તેમણે જણાવ્યું કે સ્પાયવેરનો આવો ઉપયોગ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. સિબ્બલે જણાવ્યું કે જાે સરકાર હવે કહે છે કે તે સોગંદનામું દાખલ કરશે નહીં, તો તે માનવું જાેઈએ કે પેગાસસનો ગેરકાયદે ઉપયોગ થઈ રહ્યો છે.HS