Western Times News

Gujarati News

પેટલાદઃ હિરલ ઠાકર સસ્પેન્ડ થતા ચકચારઃ સસ્પેન્શન સંદર્ભે તર્ક વિતર્ક

ટાઉનહોલ માટે આગવી ઓળખ હેઠળ રૂપિયા ચાર કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી-આ ગ્રાન્ટ પેટે એકપણ રૂપિયાનું ચુકવણુ કર્યું નથી. 

પેટલાદ, પેટલાદ નગરપાલિકાના તત્કાલિન અને હાલ ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર ફરજ બજાવતા હતા, તેઓના પેટલાદ નગરપાલિકામાં માર્ચ ર૦૧૮ થી ઓગષ્ટ ર૦ર૦ના કાર્યકાળ દરમિયાન ટાઉનહોલના નવીનીકરણ અંગે કામગીરી હાથ ઉપર લેવામાં આવી હતી.

આ કામગીરી સંદર્ભે ગેરરીતી થઈ હોવા સંબંધમાં ખાતાકીય તપાસ ચાલી રહી છે. જેથી તેઓને સંક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં ન હોય, તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ થતા ચકચાર મચીજવા પામી છે. આ સસ્પેન્શન સંદર્ભે શહેરમાં અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જ્યંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ યોજના અમલમાં મુકી હતી. આ યોજના હેઠળ આંતરમાંળખાકીય સુવિધાઓના કામો માટે સરકાર દ્વારા વર્ગ મુજબ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હતી. જે અન્વયે પેટલાદ નગરપાલિકાને બ વર્ગની નગરપાલિકા તરીકે રૂપિયા ચાર કરોડની ગ્રાન્ટ મળવાપાત્ર હતી.

જેથી પેટલાદ નગરપાલિકાએ તા.૩૦ ઓક્ટોબર ર૦૧૮ની સામાન્ય સભામાં ઠરાવનં.૬૬થી શહેરના ટાઉનહોલના નવીનીકરણનું કામ મંજૂર કર્યું હતુ. ત્યારબાદ તા.૧૭ જાન્યુઆરી ર૦૧૯ના રોજ ટીએસ મંજૂરી મેળવ્યા બાદ તા.૧ માર્ચ ર૦૧૯ના રોજ વડોદરા સ્થિત રિજ્યોનલ કચેરી ખાતે દરખાસ્ત મોકલી આપી હતી.

આ દરખાસ્તની સૈદ્ધાંતિક સ્વિકાર અંગેની જાણ પેટલાદ નગરપાલિકાને તા.૬ માર્ચ ર૦૧૯ના રોજ થઈ હતી. પંરતુ તે સમયે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી તા.૧૧ માર્ચ ર૦૧૯ના રોજ પાર્ટ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જાેકે તે સમયે ઈલેક્ટ્રિક ટેન્ડર બહાર પાડવાનું બાકી હતુ.

સદર ગ્રાન્ટ મંજૂર થયાનો હુકમ જીએમએફબી દ્વારા તા.ર૬ જૂન ર૦૧૯ના રોજ પેટલાદ પાલિકાને મળ્યો હતો. પરંતુ ત્યારબાદ પેટલાદ પાલિકા તરફથી તા.૧૬ ઓગષ્ટ ર૦૧૯ના રોજ ગ્રાન્ટ રિલીઝ કરવા રિજ્યોનલ કચેરીને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ આ રજૂઆતના લગભગ ૬ માસ બાદ તા.ર૬ ફેબ્રુઆરી ર૦ર૦ના રોજ સદર કામની દરખાસ્ત નવેસરથી કરવા સુચનામળી હતી. જેથી પાલિકાએ ર૯ ફેબ્રુઆરી ર૦ર૦ વહિવટી મંજૂરી આપવા દરખાસ્ત મોકલી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ટાઉનહોલની આ કામગીરી અંગે પ્રાદેશીક કમિશ્નર કચેરી વડોદરા દ્વારા તત્કાલિન ચીફ ઓફિસર હિરલ ઠાકરને તા.૩ નવેમ્બર ર૦ર૦ના રોજ કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હતી. જેમા જણાવ્યું હતુ કે પેટલાદ પાલિકા દ્વારા સદર કામની ટેન્ડર પ્રક્રિયા ૧૧ માર્ચ ર૦૧૯ના રોજ કરી તેનો વર્ક ઓર્ડર તા.ર૯ જાન્યુઆરી ર૦ર૦ના રોજ આપી દીધેલ હતો.

જે ખરેખર ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા તા.ર૬ જૂન ર૦૧૯ થી મંજૂરી મળે એ પહેલા ટેન્ડર પ્રક્રિયા થઈ હોવાનું માલુમ પડ્યું હતુ. જેથી ટાઉનહોલની કામગીરી સંદર્ભે સરકારના પ્રવર્તમાન ખરીદનિતી જાેગવાઈ વિરૂદ્ધ કરેલ હોય ખુલાસા અંગે નોટીસ આપવામાં આવી હતી.

આ નોટીસનો પ્રત્યુત્તર આપતા હિરલ ઠાકરે જણાવ્યું હતુ કે જે તે વખતે દરખાસ્ત સાથે જ તાંત્રિક મંજૂરી બિડેલ હતી. સરકારી ગ્રાન્ટનો સમયસર ઉપયોગ અને સમય બચાવવાના હેતુથી તાંત્રિક મંજૂરી વહેલી મેળવી લીધી હતી. ઉપરાંત ડિસેમ્બર ર૦ર૦માં પેટલાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આવતી હોય વર્ક ઓર્ડર આપી દેવા પાલકા પ્રમુખનું સુચન હતુ. છતા ટેન્ડર પ્રક્રિયા બાદ સાત મહિના પછી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.

આ અંગે પેટલાદ પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર હિરલ ઠાકરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતુ કે ટાઉનહોલ માટે આગવી ઓળખ હેઠળ રૂપિયા ચાર કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે. વધુમાં તેઓએ કહ્યું હતુ કે પેટલાદ નગરપાલિકાને મે મારા કાર્યકાળ દરમિયાન નંબર વન બનાવી હતી. દરેક ક્ષેત્રે વિકાસલક્ષી કામો કરી પાલિકાને રાજ્યમાં બહુમાન અપાવ્યું હતુ. છતા મારી બદલી ઝાલોદ ખાતે કરવમાં આવી હતી.

ત્યારબાદ પણ આ ટાઉનહોલ સંદર્ભે મને કારણદર્શક નોટીસ આપી ખુલાસો માગી જવાબ લીધા હતા. મે આ ગ્રાન્ટ પેટે એકપણ રૂપિયાનું ચુકવણુ કર્યું નથી. પાલિકાની જવાબદારી વધે કે આર્થિક નુકશાન પહોંચે તેવુ કોઈ કામ કર્યું નથી. પરંતુ કામના બોજ અને ટેન્શનના કારણે વહિવટી ક્ષતી જરૂર થઈ છે.

તો ગેરરીતી કઈ વાતની ? જ્યારે નાણાકીય કોઈ નુકશાન જ નથી તો ગેરરીતી કેવી ? ઉપરાંત હાલ મને પાલિકાની ચૂંટણીઓ સંદર્ભે ઝાલોદ શહેરમાં આચારસહિતા અમલીકરણ અધિકારી તરીકે નિમણૂક કરેલ છે ત્યારે અચાનક આ સસ્પેન્ડ કરવા પાછળના આદેશની ગણતરી મને સમજાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સદર ટાઉનહોલની મળવાપાત્ર ગ્રાન્ટ પેટે એકપણ રૂપિયો આજદીન સુધી પેટલાદ નગરપાલિકાને મળ્યો નહી હોવાનું એકાઉન્ટન્ટ દિપેશ શાહે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.