પેટલાદના પીઠામાં આગથી લાખોનું નુકશાન

ચાર કલાક બાદ આગ ઉપર કાબુ મેળવ્યો
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ શહેરના છેવાડે સુણાવ રોડ ખાતે લાકડાના પીઠા આવેલ છે. જ્યાં આજરોજ વહેલી સવારે શોર્ટ સરકીટને કારણે એક પીઠામાં આગ લાગી હતી. પેટલાદ અને આણંદના ફાયર ફાઈટર દ્વારા ચાર કલાક બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ભીષણ આગને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુણાવ રોડ ખાતે સર્વે નં. ૮૪૧/૧ની જમીન ઉપર આલ્ફા વુડન ઈન્ડસ્ટ્રીઝ આવેલ છે. આ લાકડાના પીઠામાં ફ્રેમ પટ્ટી તથા લાકડાની બનાવટનું અન્ય મટીરીયલ્સ તૈયાર કરવામાં આવે છે. આ ઈન્ડસ્ટ્રીઝમાં આજરોજ વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે આગ લાગી હતી. જેની જાણ આજુબાજુના ખેતરોમાં રહેતા લોકોને થઈ.
જેથી તેઓએ ઈન્ડસ્ટ્રીઝના માલિક કિર્તીભાઈ પટેલને જાણી કરી હતી. તેઓ તાબડતોબ પોતાના પીઠા ઉપર પહોંચ્યા હતા. તે સમય આખું લાકડાનું પીઠું આગની લપેટમાં આવી ગયું હતું. આગને કાબુમાં લેવા પેટલાદ તથા આણંદ નગરપાલિકાના ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી.
સતત ચાર કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હોવાનું ઈન્ડસ્ટ્રીઝના ધવલભાઈ પટેલે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આગ શોર્ટ સરકીટને કારણે લાગી છે.
આગને કારણે હાલ તો એકાદ લાખનું નુકશાન થયું હોય તેમ લાગે છે. પરંતુ લાકડાનું તમામ રો – મટીરિયલ્સ તથા મશીનરી બળીને ખાક થઈ ગઈ હોવાથી નુકશાન વધી પણ શકે છે.