પેટલાદના બાકી વેરા ધારકોના પેનલ્ટી – વ્યાજ માફ

(પ્રતિનિધિ)પેટલાદ, ગુજરાત સરકાર દ્વારા બાકી વેરા ધારકો માટે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અમલી બનાવી છે. જે અંતર્ગત નગરપાલિકાના બાકી વેરા ધારકોના તમામ પેનલ્ટી – વ્યાજ માફીનો લાભ મળવાપાત્ર રહેશે. જે અંગેની એક ખાસ સાધારણ સભા આજરોજ પાલિકા ખાતે મળી હતી. જેમાં આ કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના તા.૧૯ ફેબ્રુઆરીથી અમલમાં મૂકવા એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું છે કે દરેક નગરપાલિકા માટે આવકનો મુખ્ય સ્ત્રોત કરવેરા છે.
દરવર્ષે પાલિકા દ્વારા આવા વેરાઓ વસૂલવામાં આવતા હોય છે. પરંતુ કેટલાક સંજાેગોમાં નાગરિકો વેરા સમયસર નહિ ભરી શકતા તેના ઉપર પેનલ્ટી, વ્યાજ, નોટીસ ફી, વોરંટ ફી વગેરે ચઢતા હોય છે. જેને કારણે વેરા ધારકના માથે બાકી વેરાનો બોજ વધતો જ જાય છે.
જેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા વર્ષોં ૨૦૧૧-૧૨માં સ્વર્ણિમ જયંતિ પ્રોત્સાહક વળતર યોજના અમલી બનાવી બાકીદારોને પેનલ્ટી – વ્યાજમાંથી મુક્ત કર્યા હતા. ત્યારબાદ દસ વર્ષ દરમ્યાન જે તે નગરપાલિકા હદ વિસ્તારના અસંખ્ય વેરા ધારકો સમયસર બાકી વેરા ભરી શક્યા નથી. જેને કારણે નગરપાલિકાઓને પણ વિકાસના કામો અને ખર્ચાઓને પહોંચી વળવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
જેથી ચાલુ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત પેનલ્ટી – વ્યાજ માફી યોજના જાહેર કરેલ છે. જેનો પરિપત્ર જારી થતાં આજરોજ પેટલાદ નગરપાલિકાના સભાખંડમાં ખાસ સાધારણ સભા મળી હતી. જેમાં આ માફી અને વળતર યોજનાનું કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત જે બાકીદારો પોતાના બાકી વેરાની સંપૂર્ણ રકમ એક સાથે તા.૩૧ માર્ચ પહેલા ભરશે તેઓના પેનલ્ટી, વ્યાજ અને નોટીસ ફીની રકમ ઉપર સો ટકા માફીનો લાભ મળવાપાત્ર રહેશે.
ઉપરાંત આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના જે વેરા ભરવાપાત્ર હશે તે તા.૩૧ મેં સુધીમાં ભરશે તો કરદાતાઓને દસ ટકા વળતરનો લાભ મળવાપાત્ર રહેશે.