પેટલાદના રાજમાર્ગો ઉપર ગાયોનું સામ્રાજ્ય
પેટલાદ, પેટલાદમાં દર વર્ષે ભાદરવા સુદ અગિયારસથી ભવ્ય લોકમેળો ભરાય છે. નગરપાલિકાના સ્ટેડિયમ ખાતે ભરાતો આ મેળો લગભગ પંદર દિવસ સુધી ચાલે છે. ચાલુ વર્ષે આ મેળો તા.૯ સપ્ટેમ્બરથી શરૂ થયો છે. આ લોકમેળામાં શહેર સહિત આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજેરોજ લોકટોળા ઉમટી પડતા હોય છે. તેમાંય પૂનમ, શનિ-રવિ તથા અન્ય રજાઓના દિવસે વિશેષ ભીડ જોવા મળે છે. આવા સમયે ઠેરઠેર રખડતી ગાયોને કારણે લોકો ભારે હાલાકી ભોગવે છે. તેમાંય એસટીની બસોને પણ લોકમેળા વખતે ડાયવર્ઝન નહીં અપાતા વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ શહેરને સ્વચ્છ રાખવામાં નગરપાલિકાની મુખ્ય ભૂમિકા વર્ષ દરમ્યાન જોવા મળી છે.
માટે જ પેટલાદ પાલિકાને એવોર્ડ પ્રાપ્ત થયો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ઠેરઠેર ગાયોના ટોળા જોવા મળે છે. આવી રખડતી ગાયોને પાંજરે પૂરવા થોડા સમય અગાઉ લાખો રૂપિયાના ખર્ચે ઢોર પાંજરૂ ખરીદવામાં આવ્યું છે. પરંતુ શરૂઆતમાં બે-ત્રણ દિવસ સુધી રખડતા ઢોરોને પકડવાની કામગીરી પૂર જોશમાં ચાલી, પણ ત્યારબાદ આ કામગીરી તરફ ઉપેક્ષા સેવાઈ રહી હોવાની ચર્ચા નગરજનોમાં ચાલી રહી છે.
પાલિકાની આ આરંભે શૂરા જેવી કામગીરીનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન છે. શહેરમાં સાઈનાથ ચોકડીથી કોલેજ ચોકડી થઈ પાલિકા સ્ટેડિયમ, રણછોડજી મંદિર, શાક માર્કેટ, ટાઉનહોલ, સરદાર ચોક સુધીના મુખ્ય રાજમાર્ગ ઉપર રખડતી ગાયોના ટોળા વિશેષ જોવા મળે છે. બીજી તરફ એસટીની બસો પણ આ રૂટ ઉપરથી જ આવ-જા કરતી હોવાને કારણે વારંવાર ટ્રાફિક સમસ્યા જોવા મળે છે. તેમાંય સાંજના સમયે લોકમેળામાં અવર જવર વધુ હોવાથી પ્રજા ભારે હાડમારી ભોગવી રહી છે. આમ પાલિકા, પોલિસ અને વહિવટી તંત્રની ઉપેક્ષાને કારણે પ્રજા હાલાકી ભોગવી રહી હોવાની વાતોએ નગરમાં જોર પકડ્યું છે.