Western Times News

Gujarati News

પેટલાદમાં કર્ફયુ વચ્ચે ભગવાનની નગરચર્યા

(તસ્વીર ઃ દેવાંગી , પેટલાદ) (પ્રતિનિધી) પેટલાદ, પેટલાદમાં સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરેથી આજરોજ ૯પમી રથયાત્રાનું બપોરે બે કલાકે પ્રસ્થાન થયું હતુ. પરંપરાગત રીતે નીકળતી આ વખતની રથયાત્રામાં સિમિત સ્વયંસેવકો અને ભક્તજનો જાેડાઈ શક્યા હતા. કોરોનાની મહામારીને કારણે સરકારની ગાઈડલાઈન મુજબ શહેરમાં કર્ફયુ મુકી દેવામાં આવ્યો હતો. જેને કારણે ભગવાન કર્ફયુ વચ્ચે નગરચર્યાએ નીકળ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે. તેમાય બીજી લહેર વખતે કોરોનાને કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ઉપરાંત સેંકડો લોકો કોરોના વાયરસના શકંજામાં સપડાઈ ગયા હતા. કોરોનાની ત્રીજી લહેર સંભવતઃ આગામી સમયમાં આવે નહી તેના ભાગ રૂપે સરકાર દ્વારા કેટલીક શરતો અને નિયંત્રણોને આધિન રથયાત્રા માટે પરવાનગી આપવામાં આવી હતી.

આ શરતોને આધિન પોલિસ વિભાગ દ્વારા પેટલાદ શહેરમાં આજરોજ બપોરે ૧ર કલાકથી કર્ફયુ મુકી દેવામાં આવ્યો હતો. જેને કારણે સવારના સમયે ખુલેલા બજારો પણ ટપોટપ બંધ થઈગયા હતા. આ કર્ફયુ વચ્ચે અને સિમીત ભક્તજનો સાથે ભગવાન રણછોડરાય, બલરામ અને શુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા.

પ્રતિવર્ષની પ્રણાલીકા મુજબ બેન્ડવાજા, ભજન મંડળી, અખાડા, વેશભુષા, પ્રસાદ સીવાય આ વખતની રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતુ. જેમા લાલજી ભગવાનની પાલખી અને ત્રણ રથ જાેડાયા હતા. આજરોજ રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે ભગવાનશ્રીની રથમાં પધરામણી પ્રાંત અધિકારી મનિષા બ્રહ્મભટ્ટ અને મામલતદાર મહેશ્વરી રાઠોડના હસ્તે કરવામાં આવી હતી.

જ્યારે રથયાત્રાનું પ્રસ્થાન મંદિરના મહંત વાસુદેવ મહારાજ, સાંસદ મિતેશભાઈ પટેલ, ભાજપ જીલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ, પૂર્વ મંત્રી સી ડી પટેલ, જીલ્લા ભાજપ મંત્રી ધર્મેશ મિસ્ત્રી, રથયાત્રાના આયોજક હેમંતભાઈ પંડ્યા સહિત નગરપાલિકાના કાઉન્સિલર, શહેરના આગેવાનો અને યુવાનોએ કરાવ્યું હતુ. આજરોજ ભગવાન ભક્તજનોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા હતા, પરંતુ સરકારના નિયમોનું પાલન કરતા ભક્તો ભગવાનના દર્શનથી વંચિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા પ્રતિવર્ષના નિયત રૂટ મુજબ રણછોડજી મંદિરથી ટાઉન હોલ, સરદાર ચોક, સ્ટેશન રોડ, જેત્રાના વડ, કાલકાગેટ, નરસિંહજી મંદિર, વ્યાસવાડા, વાળંદની ખડકી, ચોક્સી બજાર, અંબામાતા મંદિર, ટાવર, ચાવડી બજાર, નાગરકુવા રોડ, લીંબાકુઈ, હનુમાન ફળીયા, ગાંધીચોક, ચાવડી બજાર થઈ નીજ મંદિર પરત પહોંચી હતી. *


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.