પેટલાદમાં પેટા ચૂંટણીનું રણશિંગુ ફુંકાયું
વોર્ડ નં૧ ની સામાન્ય બેઠક માટે ૨૮મીએ ચૂંટણી
(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં૧ની પેટા ચૂંટણી યોજવા જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. આ વોર્ડની સામાન્ય બેઠક ઉપર જીતેલ સભ્યનું અવસાન થવાને કારણે બેઠક ખાલી પડી હતી. આ બેઠક ભાજપ પાસે હતી, પરંતુ હવે જાેવાનું એ રહેશે કે ભાજપ પોતાની આ બેઠક જાળવી રાખે છે કે છીનવાઈ જાય છે ?
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ગત ફેબ્રુઆરી ૨૦૨૧માં યોજાઈ હતી. આ ચૂંટણી ૯ વોર્ડની ૩૬ બેઠક માટે યોજાઈ હતી. જેમાંથી ભાજપને ૨૨ બેઠકો મળતા પાલિકામાં સત્તા મેળવી હતી. બીજી તરફ બીજા નંબર ઉપર આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળી હતી,
જ્યારે કોંગ્રેસનો કારમો દેખાવ થતાં માત્ર ૩ બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. નોંધનીય બાબત એ છે કે ગત સામાન્ય ચૂંટણીમાં અપક્ષના ફાળે છ બેઠકો ગઈ હતી. આ પરિણામના આધારે પાલિકામાં પ્રમુખ તરીકે ગીતાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ તળપદાએ સત્તાનું સુકાન સંભાળ્યું હતું.
આ બોર્ડ પોતાની કામગીરી બરોબર શરૂ પણ ન્હોતું કરી શક્યું અને તેવામાં પાલિકાના ઉપપ્રમુખ ગોવિંદભાઈ તળપદાનું અવસાન થયું હતું. જેઓ વોર્ડ નં૧માંથી ચૂંટાઈ આવ્યા હતા. આ બેઠક ખાલી પડતાં તાજેતરમાં ચૂંટણી આયોગ દ્વારા પેટા ચૂંટણી યોજવા પેટલાદ પ્રાંત અધિકારીને તાકીદ કરવામાં આવ્યા હતા.
જે અન્વયે પેટલાદ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી મનિષા બ્રહ્મભટ્ટે જાહેરનામું પ્રસિદ્ધ કરતાં પેટાચૂંટણીનું રણશિંગુ ફુંકાયું છે. તળપદા, મુસ્લિમ અને પટેલ વોટબેંકનુંં પ્રભુત્વ ધરાવતા આ વોર્ડમા આશરે ૫૨૦૦ જેટલા મતદારો છે. ગત ચૂંટણીમાં અહિયાં ૭૦.૮૯ ટકા મતદાન થયું હતું.
આ વોર્ડમાંથી ભાજપને ત્રણ અને આપને એક બેઠક મળી હતી. હવે જાેવાનું એ રહેશે કે ભાજપ પોતાનું સંખ્યાબળ બાવીસ જાળવી રાખે છે કે આમ આદમી પાર્ટી વિજયની આગેકૂચ કરી પાંચ માંથી છ બેઠક તરફ જાય છે ? કે પછી કોંગ્રેસ અપસેટ સર્જી આ વોર્ડમાં ખાતું ખોલાવે છે ?