પેટલાદમાં બાકીદારોના ૩૧ લાખ વેરો માફ
૮ દિવસમાં ૨૦ લાખની વસૂલાતઃ ૧૫ વોર્ડ માટે ૮ ટીમો કાર્યરત
(પ્રતિનિધિ) પેટલાદ, રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અમલી બનાવવામાં આવી છે. જે અંતર્ગત પેટલાદ નગરપાલિકાએ બાકીદારો પાસેથી વેરા વસૂલાતની કામગીરીનો પ્રારંભ તા.૮ માર્ચથી શરૂ કર્યો છે.
છેલ્લા ૮ દિવસમાં પાલિકાએ રૂ.૨૦ લાખની વસૂલાત કરી છે.
જ્યારે આ યોજના અંતર્ગત બાકીદારોના અંદાજીત રૂ.૩૧ લાખ માફ કર્યા હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પેટલાદ પાલિકા હદ વિસ્તારમાં વેરા વિભાગના કુલ ૧૫ વોર્ડ માટે ૮ ટીમો વેરા વસૂલાતની કામગીરી સંભાળી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અમલી બનાવવા તા.૧૯ ફેબ્રુઆરીએ પરિપત્ર જાહેર કર્યો હતો. જે અન્વયે વર્ષોથી વેરા નહિં ભરનાર બાકીદારોના ચઢેલા વ્યાજ, પેનલ્ટી, નોટીસ ફી, વોરંટ ફી વગેરે માફ કરી વેરાની મૂળ રકમ વસૂલ કરવા યોજના જાહેર કરી હતી.
તેમાં જણાવ્યું હતું કે તા.૩૧ માર્ચ સુધીમાં જે કોઈ બાકીદાર વેરાની બાકી રકમ ચૂકતે ભરનારને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. જે અંતર્ગત પેટલાદ પાલિકાએ યોજના અમલી બનાવવા ખાસ સભા બોલાવી ઠરાવ સર્વાનુમતે મંજૂર કર્યો હતો.
જેથી પેટલાદ પાલિકાએ બાકીદારો પાસેથી વેરા વસૂલાતની કામગીરી તા.૮ માર્ચથી શરૂ કરી છે. પેટલાદ પાલિકાના અંદાજીત વીસ હજાર જેટલા વરા ભરનાર કરદાતા છે. જે પાલિકાના વેરા વિભાગ દ્વારા ૧૫ વોર્ડમાં વહેંચાયેલા છે. જેમાં વોર્ડ નં૧ થી ૧૨માં શહેરની તમામ મિલકતોનો સમાવેશ થાય છે.
જ્યારે વોર્ડ નં.૧૩માં સરકારી ઓફિસો, વોર્ડ નં.૧૪માં કેબીનો અને વોર્ડ નં.૧૫માં આઉટ ગ્રોથ વિસ્તાર આવતા હોવાનું ટેક્ષ ઇન્સ્પેક્ટર સુનિલ કાછીયાએ જણાવ્યું હતું. તેઓએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે શહેરના તમામ બાકીદારો આ યોજનાનો લાભ લઈ આર્થિક ભારણમાંથી મુક્ત થઈ શકે તે માટે પાલિકાની ૮ ટીમો કાર્યરત છે.
ગણતરીના દિવસોમાં લગભગ તમામ બાકીદારોને યોજનાનો લાભ મળે તે માટે પાલિકાની વેરા વિભાગ કચેરી રજાના દિવસોમાં પણ કાર્યરત રાખવામાં આવી રહી છે. વેરાની આંકડાકીય માહિતી આપતાં કહ્યું હતું કે તા.૧૬ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં બાકીદારો પાસેથી નોટીસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી વગેરે પેટે રૂ.૪.૪૨ કરોડનું માંગણું હતું. જે પેટે તા.૮ માર્ચથી આ યોજના અંતર્ગત રૂ.૩૧ લાખ જેટલી રકમ બાકીદારોની માફ કરવામાં આવી છે.