પેટલાદમાં રસ્તાઓ ઉપરના ખાડાને રોડા-માટી નંખાવી કાઉન્સિલરને કામ કર્યાનો સંતોષ
કાઉન્સિલર કામ કર્યાનો સંતોષ માને છે
(તસ્વીરઃ દેવાંગી ઠાકર) પેટલાદ શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી ભારે વરસાદ થયો હતો. જેને કારણે શહેરના મુખ્ય રાજમાર્ગોની બંન્ને બાજુ પાણી ભરાયા હતા. ઉપરાંત શહેરના અનેક રસ્તાઓ ઉપર મસમોટા ખાડાઓ પણ પડી ગયા છે. જેને કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.
પરંતુ પાલિકા દ્વારા તો આ ખાડાઓમાં રોડા માટી નાંખી જાણે કે વાહન ચાલકોને સુરક્ષા કવચ પૂરૂં પાડ્યું હોય તેટલો સંતોષ કેટલાક કાઉન્સિલરો માની રહ્યા છે. પાલિકાની આવી કામગીરીથી નગરજનોમાં ભારે અસંતોષ જાેવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ પેટલાદમાં એકાદ અઠવાડીયાથી ભારે વરસાદ થયો હતો. જેને કારણે ચાવડી બજાર, નવાપુરા, સ્ટેડીયમ પાસે, કોલેજ ચોકડી, સાંઈનાથ ચોકડી, સેવાસદન, ટાઉનહોલ, સરદાર ચોક, કોર્ટ કેમ્પસ, સ્ટેશન રોડ, જેત્રાના વડ પાસે, નવા ઓવર બ્રિજ પાસે, કાલકાગેટ, પઠાણવાડા, ખોડીયાર ભાગોળ, ખારાકુવા, ખંભાતી ભાગોળ,
મલાવ ભાગોળ, દેવકુવા, મિલ્લતનગર વગેરે જેવા વિસ્તારો જળ બંબાકાર થઈ ગયા હતા. તેમાંય સેવા સદન પાસે તો પાલિકાને વરસાદી પાણીનો નિકાલ કરવા ડંકી મૂકવાનો વારો આવી ગયો હતો. જ્યારે શહેરના અનેક રસ્તાઓ પાણી ભરાઈ રહેવાને કારણે ખખડધજ થવા માંડ્યા છે.
રસ્તાઓ ઉપર મોટા મોટા ખાડા પડી ગયેલ જાેવા મળે છે. આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેવાથી વાહન ચાલકો અકસ્માતનો ભય સેવી રહ્યા છે. જાે રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટ બંધ હોય તો પણ રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હોવાનો રોષ નગરજનો ઠાલવી રહ્યા છે.
આ ખાડાઓ પુરવા પાલિકા દ્વારા કામગીરી ગતરોજથી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ખાડાઓમાં રોડા માટી નાંખતા નગરજનો પાલિકાની કામગીરી સામે પણ આક્રોશ ઠાલવી રહ્યા છે. શહેરના વોર્ડ નંબર પાંચ અને સાત વચ્ચેથી ટાવર – અંબામાતા મંદિરનો રસ્તો પસાર થાય છે.
અહીંયાના નગરજનો આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે ગત ચૂંટણીમાં આ વિસ્તારના હિન્દુ મતદારોએ ખોબે ખોબે મત આપી વોર્ડ પાંચના ત્રણ સભ્યો અને વોર્ડ સાતના બે સભ્યોને ચૂંટી લાવી ભાજપને આપ્યા છે. છતાં આ વિસ્તારના કોઈ જ કામો સમયસર થતાં નથી.
કારણકે વોર્ડ નંબર પાંચના એકપણ કાઉન્સિલરો આ બાજુ નહીં રહેતાં હોવાને કારણે ફરકતા જ નથી??. વોર્ડ નંબર સાતના બે પૈકી એક કાઉન્સિલર સોસાયટીમાં રહે છે, જેથી તેઓ પણ આ બાજુ જાેવા જ નથી મળતા. જ્યારે અન્ય એક કાઉન્સિલર નાનામાં નાનું કામ કરે તો પણ તેઓ સોશ્યલ મિડીયા ઉપર ફોટા મૂકી કામ કર્યાનો સંતોષ માને છે. એટલે રજૂઆત કરવી તો પણ કોને કરવી એજ નહીં સમજાતું હોવાનો રોષ સ્થાનિક રહીશો દ્વારા સાંભળવા મળ્યો હતો.