Western Times News

Gujarati News

પેટલાદમાં સો વર્ષ જૂની પાઠશાળામાં સંસ્કૃત ગ્રંથાલય આકાર પામશે

વિશાળ સંકુલ –ચરોતરની એકમાત્ર સંસ્કૃત પાઠશાળામાં શૈક્ષણિક સંકુલ, વર્ગ ખંડ-૧૩, કાર્યાલય, જુનુ પુસ્તકાલય, કોમ્પ્યુટર હોલ, છાત્રાલય, ભોજનાલય, આચાર્ય નિવાસ, કર્મચારી ભવન, રમત-ગમતનું મેદાન, પીવાનું શુદ્ધ પાણી વગેરે જેવી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

જ્યોતિષ કાર્યશાળા શ્રી નારાયણ સંસ્કૃત મહા વિદ્યાલય ખાતે તા.ર થી ૪ ઓગષ્ટ દરમિયાન જ્યોતિષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા પ્રખર જ્યોતિષી મિહિરભાઈ પુરોહિત, પન્નાલાલ વ્યાસ, ભાવિનભાઈ દવે દ્વારા જ્યોતિષનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ કાર્યશાળામાં ઋષિકુમારો ઉપરાંત જ્યોતિષમાં રસ ધરાવતા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પેટલાદ, ઐતિહાસિક પેટલાદ નગરમાં ૧૦૦ વર્ષ જૂની શ્રીનારાયણ સંસ્કૃત મહા વિદ્યાલય કાર્યરત છે. અહિયા સંસ્કૃત વિષયક અભ્યાસ કરતા ઋષિકુમારો માટે રહેવા, જમવા, અભ્યાસ કરવા જેવી તમામ પ્રકારની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્યના ખુણેખુણેથી સંસ્કૃતના અભ્યાસ માટે ઋષિકુમારો અહિયા આવે છે.

સંસ્કૃતના વધુ પઠન અને વાંચનના ઉમદા હેતુસર આ વિદ્યાલયમાં એક વિશાળ સંસ્કૃત ગ્રંથાલય આકાર પામી રહ્યું છે. આગામી સમયમાં શરૂ થનાર આ ગ્રંથાલય અંદાજીત રૂપિયા પચ્ચિસ લાખના ખર્ચે તૈયાર થશે. જ્યા લગભગ દસ હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ આશરે ૧પ૬પ વર્ષનો ભવ્ય ઈતિહાસ ધરાવતા પેટલાદ નગરમાં ચરોતરની પ્રથમ સંસ્કૃત પાઠશાળા આશરે ૧૦૦ વર્ષ અગાઉ શરૂ થઈ હતી. છેલ્લા સો વર્ષથી કાર્યરત આ સંસ્કૃત પાઠશાળામાં ભારતીય સંસ્કૃતિનું જતન અને સંરક્ષણ થાય તથા દેશ વિદેશમાં સંસ્કૃત ભાષા પ્રસ્થાપિત થાય તેવા હેતુસર શિક્ષણ આપવામાં આવે છે.

અહિયા આવનાર ઋષિકુમારો (વિદ્યાર્થીઓ) માટે કક્ષા પ્રથમથી આચાર્ય-ર સુધી એટલે કે ધોરણ -૯ થી એમએ પાર્ટ -ર સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. જેમા મુખ્યત્વે સંસ્કૃત વિષયક જ્યોતિષ, વ્યાકરણ, સાહિત્ય, પુરાણ, વેદ જેવા વિષયોનુ શિક્ષણ આપવામાં આવે છે.

સંસ્કૃત માટે સક્રિય પેટલાદની શ્રીનારાયણ સંસ્કૃત પાઠશાળા ખાતે નવા ગ્રંથાલયને સોફ્ટવેર સાથે જાેડવામાં આવશે. જેનાથી વાંચકને માત્ર પાંચ મીનિટમાં ઉપલબ્ધ કોઈપણ પુસ્તક મળી જશે. ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંસ્કૃત ભાષાને બચાવવાના નમ્રપ્રયાસના ભાગરૂપે ઋષિકુમારો ઉપરાંત પેટલાદના નગરજનો માટે પણ સુવિધા આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. અહિયા ઓડિઓ-વિડીયો વિઝ્‌યૂઅલ દ્વારા કોઈપણ ઋષિકુમાર પઠન અને વાંચન કરી શકશે. સંસ્થાના નિતી નિયમોને આધિન નગરજનોને સંસ્કૃતના વાંચન માટે સદસ્યતા આપવામાં આવનાર હોવાનું આચાર્ય ગુરૂજીએ જણાવ્યું હતુ.

ઐતિહાસિક પેટલાદ નગરના શેઠ ગણાતા રાજરત્ન નારણભાઈ કેશવલાલ ધર્માદા ટ્રસ્ટ સંચાલિત આ પાઠશાળામાં સો વર્ષ દરમિયાન બીએપીએસના શ્રી પ્રમુખ સ્વામી મહારાજ, શ્રી ડોંગરેજી મહારાજ, પ.પૂ દાદાજી શંકરપ્રસાદ શાસ્ત્રીજી, પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી જેવા મહાપુરૂષોએ અભ્યાસ કરેલ છે. ઉપરાંત અહિયા સંસ્કૃત વિષયક અભ્યાસ કરેલ અનેક ઋષિકુમારો શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી ઓફિસોમાં ફરજ બજાવે છે.

પેટલાદ શહેર અને આ નગર સાથે જાેડાયેલ ઉદાર દાતાઓના આર્થિક યોગદાનથી આજે આ સંસ્થા વટવૃક્ષ બની છે. જ્યા દરવર્ષે લગભગ ૧પ૦ જેટલા ઋષિકુમારો ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરી રહ્યા છે. આ સંસ્થા સાથે જાેડાયેલ વ્રજેશભાઈ પરિખ તથા અપૂર્વભાઈ પરિખના સીધા માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ પાઠશાળા ઉત્તરોતર પ્રગતિ કરી રહેલ છે.

આવી અદભૂત પાઠશાળામાં અદ્યતન ગ્રંથાલયનું નિર્માણ કરવા ટ્રસ્ટીઓ, આચાર્ય, ગુરૂજી વગેરે દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આ પરિસરમાં હાલ સંસ્કૃત ગ્રંથાલયનું નિર્માણ કાર્ય થઈ રહેલ છે. હાલ અહિયા જુનુ ગ્રંથાલય કાર્યરત છે. જેમા હસ્તલિખીત પુસ્તકો તથા સંસ્કૃત અને શાસ્ત્રો આધારિત લગભગ બે હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે.

આ દુર્લભ પુસ્તકોના સંરક્ષણ તથા વધુ અભ્યાસ માટે અદ્યતન ગ્રંથાલય બની રહ્યું છે. જેમા અંદાજીત દસ હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવનાર છે. અહિયા અભ્યાસ કરતા ઋષિકુમારો વધુ સારી રીતે પઠન અને વાંચન કરી શકે તથા તલસ્પર્શી જ્ઞાન મેળવી સંશોધન કરી શકે તેવા હેતુસર આ ગ્રંથાલયનું નિર્માણ થઈ રહ્યું હોવાનું આચાર્ય ગુરૂજીએ જણાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.