પેટલાદ એસટીના કર્મચારીઓ આંદોલનના માર્ગે
(પ્રતિનિધિ)પેટલાદ, સમગ્ર રાજ્યમાં એસટીના કર્મચારીઓ પડતર માંગણીઓ માટે લડત આપી રહ્યા છે. જેમા પેટલાદ ડેપોના કર્મચારીઓ પણ જાેડાયા છે. આજરોજ આ કર્મચારીઓએ પોતાની માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર મામલતદાર સમક્ષ રજૂ કર્યું હતુ. હાલ આ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી રહ્યા છે. આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન તરફ કર્મચારીઓ આગળ વધી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ એસટી વિભાગના કર્મચારીઓ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન (મજૂર મહાજન), ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ (ઈન્ટુક) અને ગુજરાત એસ ટી મઝદૂર મહાસંગ સાથે જાેડાયેલ છે. આ ત્રણેય સંઘમાં સમાવિષ્ટ કર્મચારીઓની પડતર માંગણીઓનો નીકાલ ઘણા વર્ષોથી થતો નથી.
આ અંગેની રજૂઆત કર્મચારીઓ દ્વારા નિગમ અને સરકારને વારંવાર કરવામાં આવી છે. છતા એસટીના કર્મચારીઓની માંગણીઓનો કોઈ સંતોષકારક ઉકેલ નહી આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. હાલ સમગ્ર રાજ્ય સાથે પેટલાદ એસટીના કર્મચારીઓ તા.ર૪ સપ્ટેમ્બર સુધી કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે.
ત્યારબાદ તા.ર૭ સપ્ટેમ્બર થી એક ઓક્ટોબર સુધી આ કર્મચારીઓ રિશેષ દરમિયાન પોતાની માંગણીઓ માટે સુત્રોચ્ચાર કરશે. આ કર્મચારીઓ દ્વારા તા.૪ ઓક્ટોબર થી તા.૭ ઓક્ટોબર સુધી રિશેષ દરમિયાન ઘંટનાદ કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.
આ સમય દરમિયાન જાે પોતાની માંગણીઓનો ઉકેલ નહી આવે તો તા.૭ ઓક્ટોબરની મધરાતથી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરવાની ચીમકી આ આવેદનપત્ર દ્વારા ઉચ્ચારવામાં આવી છે. છતા માંગણીઓ સંતોષવામાં નહી આવે તો એસટીના કર્મચારીઓ અચોક્કસ મુદત સુધી સ્વયંભૂ માસ સીએલ ઉપર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નડિઆદ વિભાગમાં સમાવિષ્ટ એસટી કર્મચારીઓના ત્રણેય મંડળો દ્વારા પડતર માંગણીઓ સંદર્ભે તા.૧૩ સપ્ટેમ્બર ર૦ર૧ના રોજ સંસદસભ્ય, ધારાસભ્ય, જીલ્લા કલેક્ટર, જીલ્લા પોલીસ અધિક્ષક વગેરેને ર૦ મુદ્દાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી.