પેટલાદ નગરપાલિકા ખાતે પ્રાદેશિક કમિશ્નરની મુલાકાતથી તર્ક વિતર્કો
કામ નહિ થતાં હોવાનો સભ્યોએ બળાપો કાઢ્યો-સભ્યો વચ્ચે ચકમક
બુધવારે પ્રા. કમિશ્નર સાથે સભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં વિપક્ષના સભ્ય રિફાકત પઠાણે વોર્ડ નં.૪ના રસ્તાઓ સંદર્ભે રજૂઆત કરી હતી. જે સમયે બાંધકામ કમિટીના ચેરમેન ભાવિન પટેલે કામો થતાં જ આવ્યા હોવાનું જણાવતાં બંન્ને વચ્ચે ચકમક થઈ હતી. ઉગ્ર બોલાચાલી બાદ ચીફ ઓફિસર અને અન્ય સભ્યોની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો.
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકા ખાતે બુધવારે સવારે પ્રાદેશિક કમિશ્નર આવી પહોંચ્યા હતા.? તેઓએ સૌપ્રથમ સભ્યો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ પાલિકાની ખાતાકીય તમામ ઓફિસની વન ટુ વન મુલાકાત કરી હતી. ઉપરાંત એસટીપી પ્લાન્ટ અને એના કે હાઈસ્કુલની પણ મુલાકાત લીધી હતી.
બુધવારે પેટલાદ ખાતે પ્રાદેશિક કમિશ્નરની વિઝીટથી શહેરમાં અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન સત્તાધિશોને પાલિકામાં એક વર્ષથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં સભ્યોના કામો નહિં થતાં હોવાનો અને શહેરમાં વિકાસલક્ષી કામો થંભી ગયા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. તેવા સમયે પ્રાદેશિક કમિશ્નરની ઓચિંતી મુલાકાત નગરજનોમાં ચર્ચાસ્પદ મુદ્દો બનવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ નગરપાલિકા ભવન ખાતે બુધવારે સવારે ૧૧ કલાકે પ્રાદેશિક કમિશ્નર પ્રશસ્તિ પારિક આવી પહોંચ્યા હતા. તેઓના અધ્યક્ષ સ્થાને સભ્યો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સભ્યોને કોઈ પ્રશ્નો અંગે પૂછતાં સત્તાધારી પક્ષના કેટલાક સભ્યોએ કામો નહિં થતાં હોવાનો બળાપો કાઢ્યો હતો.
પાલિકાના પ્રમુખ અને મેનેજીંગ ચેરમેન કામો સંદર્ભે કોઈ જ ર્નિણય નહિં લેતા હોવાની રજૂઆત પણ થઈ હતી. શહેરમાં રસ્તા, સફાઈ, ગટર, લાઈટ, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના કામો કરવામાં પણ અખાડા કરવામાં આવતા હોય છે. આ બેઠકમાં વિપક્ષના સભ્યો દ્વારા પણ રસ્તાઓ અંગે રજૂઆત કરી હતી.
જે રસ્તાઓ બનાવવાના ઠરાવ થઈ ગયા હોય છે તે પણ બનતા નહિં હોવાનું વિપક્ષ સભ્યએ જણાવ્યું હતું. સભ્યો સાથેની બેઠક બાદ પ્રા.કમિશ્નર પ્રશસ્તિ પારિકે વન ટુ વન દરેક ઓફિસની મુલાકાત લીધી હતી. એકાઉન્ટ, બાંધકામ, ટાઉન પ્લાનિંગ, ટેક્ષ, જન સુવિધા, યોજના, ગુમાસ્તા ધારા, સેનેટરી, સ્ટ્રીટ લાઈટ, વોટર વર્કસ વગેરે વિભાગોની મુલાકાત લીધી હતી.
જ્યાં જે તે વિભાગના મુખ્ય કર્મચારી પાસેથી કામની અને આંકડાકીય માહિતી મેળવી હતી. ત્યારબાદ કમિશ્નરે એસટીપી પ્લાન્ટ પહોંચ્યા હતા. જ્યાં સુકા ભીના કચરાનું એકત્રીકરણ, પ્લાસ્ટિકનું રિ-સાઈક્લિંગ વગેરે જેવી કામગીરી સંદર્ભે પૂછપરછ કરી હતી. જાે કે એસટીપી પ્લાન્ટ ખાતે કેટલાક મશીનો તો મહિનાઓથી ધૂળ ખાતા હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાં સમયથી સૂકો અને ભીનો કચરો અલગ ઉઘરાવાતો જ નથી. ત્યારપછી પ્રા.કમિશ્નર એન કે હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કાર્યરત કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રા.કમિશ્નરની ઓચિંતી મુલાકાત અંગે પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે દર એક કે દોઢ વર્ષે ઇન્સ્પેક્શન આવતું હોય છે, તે માટે આ મુલાકાત હતી.