પેટલાદ પાલિકાની આકરી વેરા વસૂલાત-જીલ્લામાં પેટલાદ બીજા ક્રમાંકે સોજીત્રાની સૌથી નબળી વસૂલાત
(પ્રતિનિધિ) પેટલાદ, રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અમલી બનાવી હતી. જે અંતર્ગત વર્ષોથી વેરા નહિં ભરી શકનાર બાકીદારોને પેનલ્ટી, વ્યાજ, નોટીસ ફી, વોરંટ ફી વગેરે માફ કરી વેરાની મૂળ રકમ વસૂલ કરવાનો હેતુ હતો.
જેનું અમલીકરણ માર્ચ મહિના પૂરતું સિમીત સમય માટે રાખવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ આણંદ જીલ્લાની ૧૧ પાલિકાએ વસૂલાત શરૂ કરી હતી. જેમાં સૌથી વધુ વસુલાત આણંદ પાલિકાની રહી છે. જ્યારે પેટલાદ બીજા ક્રમાંકે રહી વસૂલાતની ઉત્તમ કામગીરીમાં સફળ રહ્યું છે. જાે કે સૌથી નબળી વસૂલાત સોજીત્રા નગરપાલિકાની જાેવા મળી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યની તમામ નગરપાલિકા માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત કરવેરા હોય છે. પરંતુ દરેક પાલિકાને દર વર્ષે જે બાકી વેરા હોય છે તે પૈકી અમુક જ ટકા વસૂલાત નિયમિતપણે થતી હોય છે. જેથી કેટલાય બાકીદારોના બાકી વેરાની રકમ દર વર્ષે પેનલ્ટી, વ્યાજ, નોટીસ ફી સાથે વધતી જ જાય છે.
આવી વર્ષોના બાકી વેરાની વસૂલાત માટે રાજ્ય સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના તા.૧૯ ફેબ્રુઆરીના રોજ જાહેર કરી હતી. આ યોજના અંતર્ગત જે બાકીદારો વેરાની મૂળ રકમ તા.૧ થી ૩૧ માર્ચ દરમ્યાન ચૂકતે ભરપાઈ કરે તો તેવા બાકીદારોની પેનલ્ટી, વ્યાજ, નોટીસ ફી વગેરે માફ કરવામાં આવનાર હતા.
જેનું અમલીકરણ આણંદ જીલ્લાની ૧૧ નગરપાલિકાએ કર્યું હતું. જે પૈકી પેટલાદ પાલિકાએ તા.૮ માર્ચથી યોજના અમલી બનાવી હતી. પાલિકાના ચીફ ઓફિસર રામાનુજ અને ટેક્ષ ઇન્સ્પેક્ટર સુનિલ કાછીઆના સીધા માર્ગદર્શન હેઠળ આઠ જેટલી ટીમો બનાવી વસૂલાતની કામગીરી શરૂ કરી હતી.
જેના ભાગ રૂપે પેટલાદ પાલિકાએ માત્ર ૨૩ દિવસમાં રૂ.૧.૨૮ કરોડ જેટલી વસૂલાત કરી છે. જેની સામે વેરા ચૂકતે ભરનાર બાકીદારોના પેનલ્ટી, વ્યાજ, નોટીસ ફી પેટે અંદાજીત રૂ.૧.૬૮ કરોડ માફ કરવામાં આવ્યા છે. આણંદ જીલ્લાની ૧૧ પાલિકાની આ યોજના હેઠળની વસૂલાતમાં પેટલાદ પાલિકા બીજા ક્રમાંકે જાેવા મળી છે.
જ્યારે પ્રથમ ક્રમાંકે રહેનાર આણંદ પાલિકાએ રૂ.૨.૨૫ કરોડની વસૂલાત ચાલુ માસમાં કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લામાં વળતર યોજના અંતર્ગત વસૂલાતની સૌથી નબળી કામગીરી સોજીત્રા નગરપાલિકાની જાેવા મળી છે. અત્રે નોંધનીય છે કે રાજ્યની વર્તમાન ભાજપ સરકાર દ્વારા અમલી બનાવેલ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાને સૌથી નબળો પ્રતિસાદ જીલ્લા પ્રમુખના મતવિસ્તાર સોજીત્રાને મળ્યો હોવાનું જાણવા મળે છે.
ટીમ વર્કથી સફળતા મળી
પેટલાદ પાલિકાના ટેક્ષ ઇન્સ્પેક્ટર સુનિલ કાછીઆએ જણાવ્યું હતું કે ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આઠ ટીમો બનાવી વસૂલાત શરૂ કરવામાં આવી હતી. પેટલાદ પાલિકાએ ૨૩ દિવસમાં જે રૂ.૧.૨૮ કરોડની વસૂલાત કરી છે તેમાં આઠ ટીમો દ્વારા રૂ.૪૫.૮૬ લાખ ભરાવવામાં આવ્યા છે. જ્યારે રૂ.૮૧.૯૬ લાખ બાકીદારો સીધા પાલિકામાં ભરી ગયા છે.
ટીમ વર્કની સાથે સાથે રિક્ષા દ્વારા જાહેરાત, હેન્ડ બીલ વિતરણ, સોશ્યલ મિડીયા, ડોર ટુ ડોર, નાટક વગેરે માધ્યમ દ્વારા બાકીદારોને યોજનાની જાણકારી પહોંચાડવામાં આવી હતી. પરંતુ સરકારની આ યોજનાને લોકો સુધી લઈ જવામાં સત્તાધિશો નિરસ રહ્યા હોવાની વાત ચર્ચાસ્પદ છે. પાલિકાના ૩૬ પૈકી માત્ર વિપક્ષના ત્રણેક કાઉન્સીલરોએ જ પોતાના વોર્ડ – વિસ્તારમાં જઈ બાકીદારોને સમજાવી બાકી વેરા ભરાવી પરોક્ષ કામગીરી કરી હોવાનું જાણવા મળે છે.