પેટલાદ પાલિકામાં આર્થિક કટોકટી: તિજાેરી તળિયા ઝાટક

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકાના સ્વભંડોળની તિજાેરી તળિયા ઝાટક થઈ ગઈ છે. જેને કારણે કર્મંચારીઓના પગાર તથા અન્ય જરૂરી ખર્ચાઓ સમયસર થઈ શકતા નથી. ઉપરાંત છેલ્લા એક વર્ષ દરમ્યાન પગારને લઈ અનેકવાર વિવાદો સર્જાયા છે.
હાલ પાલિકામાં આર્થિક કટોકટી સર્જાઈ હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. જાે આ અંગે સત્તાધિશો દ્વારા સત્વરે યોગ્ય આયોજન કરવામાં નહિં આવે તો આગામી દિવસો વધુ ગંભીર આવવાનો ગણગણાટ કર્મચારીઓમાં પણ શરૂ થઈ ગયો છે્
પેટલાદ પાલિકામાં ભાજપનું શાસન છે.
સ્પષ્ટ બહુમતી સાથે તા.૧૬ માર્ચના રોજ બાવીસ સભ્યોએ સત્તા સંભાળી હતી. ત્યારબાદ તા.૧૯ એપ્રિલના રોજ વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી. આમ તો તે જ સમયથી ભાજપના આ સત્તાધિશો વચ્ચે અંદરોઅંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ હોવાની વાત જગજાહેર છે.
જાે કે પાર્ટીના મેન્ડેટ સાથે જીત્યા હોવાના કારણે તથા શહેરના મતદારોએ પાર્ટીની વિચારધારાને મત આપ્યો હોવાથી કોઈ સભ્ય જાહેરમાં વહિવટ સંદર્ભે વિરોધ કરતા નથી. પરંતુ અંદરોઅંદર ગજગ્રાહ ચરમસીમા ઉપર પહોંચ્યો હોવાના કારણે પાલિકાનો વહિવટ ખાડે ગયો હોવાની વાત ચર્ચાસ્પદ બનવા પામી છે.
હવે સ્થિતી એટલી નાજુક થઈ ગઈ છે કે પાલિકા પાસે પગાર કે અન્ય ખર્ચાઓ માટે સ્વભંડોળ પણ ખાલીખમ છે. આ ગંભીર મુદ્દા સંદર્ભે પાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ વિકેટ પટેલે ચીફ ઓફિસરને એક રિપોર્ટ તા.૬ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ કર્યો છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે પાલિકાની આવકમાં ઘણો મોટો ઘટાડો થયો છે.
આવક ઓછી થવાના કારણે વિકાસના કામો, પગાર, રિપેરીંગ, ઈંધણના હીરોનું ચુકવણું વગેરેમાં ભારે વિલંબ થાય છે. આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે આવક વધારવી જરૂરી છે. જેમાં તેઓએ પાલિકાની દુકાનોના ભાડા, બજાર ભાડા, વિવિધ ફી વગેરેમાં વધારો કરવા પણ સૂચન કરેલ છે.
ઉપરાંત જાે મોટા શહેરોની જેમ રાત્રિ બજાર શરૂ કરવામાં આવે તો પણ પાલિકાની આવકમાં વધારો થાય તેમ છે. જે માટે પાલિકા કોઈ એક પ્લોટ ફાળવી ભાડું લઈ શકે છે. વધુમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણાં વર્ષોથી વાહન વેરો લેવાનો બંધ કરેલ છે. જે પુનઃ શરૂ કરવામાં આવે તે જરૂરી છે.
આમ અનેક મુદ્દાઓને આવરી લઈ વિકેશ પટેલે ગંભીર સ્થિતીનો ઘટઃસ્ફોટ કરતાં વર્તમાન સત્તાધિશોના વહિવટ સંદર્ભે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી દિધા હોવાનો ગણગણાટ પાલિકા કેમ્પસમાં ચાલી રહ્યો છે.
બજાર ભાડામાં જંગી ઘટાડો
પેટલાદ પાલિકા દ્વારા દૈનિક બજારભાડા ઉઘરાવવામાં આવે છે. આ સંદર્ભે વિકેશ પટેલે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે જ્યારે આ કામ કોન્ટ્રાક્ટ દ્વારા ચાલતું હતું તે વખતે આવક ખૂબ સારી હતી. પરંતુ જ્યારથી આ બજાર ભાડા પાલિકાના કર્મચારીઓ ઉઘરાવે છે ત્યારથી આ આવકમાં ખૂબ મોટો ઘટાડો જાેવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બજાર ભાડામાં ખાણી-પીણીની લારીઓ, પાથરણાં, દુકાન બહાર મૂકવામાં આવતો સામાન, મંડપ, કેબિન, રેતી-કપચીના ઢગલાં, શેરડી-તરબૂચના કોલા, રોડ શો, પાનનાં કાયમી ગલ્લા વગેરેનો સમાવેશ થાય છે.
આ તમામ પાસેથી પાલિકાને કોન્ટ્રાક્ટ હેઠળ અંદાજીત રૂપિયા પચ્ચીસ લાખ જેટલી વાર્ષિક આવક થતી હતી. જ્યારે હાલ આ વાર્ષિક આવક માત્ર રૂપિયા બાર લાખ જેટલી જ થાય છે. જેની સામે શહેરમાં અગાઉ કરતાં પણ વધારે લારી, ગલ્લા, કેબિનો ખડકાઈ દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ગ્રાન્ટનો ખોટો ઉપયોગ
પેટલાદ પાલિકાના રોજમદારો દ્વારા થોડા દિવસ અગાઉ પગારના મુદ્દે હડતાળ પાડી હતી. જેથી પાલિકા દ્વારા આ ઉકળતા ચરૂને શાંત પાડવા તાત્કાલિક પગાર કરી દિધો હતો. પરંતુ આ પગાર કાયમી કર્મચારીઓને થતાં પગારની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યો હતો.
હવે સ્થિતી એવી ઉભી થઈ છે કે કાયમી કર્મચારીઓને જાન્યુઆરીનો પગાર કરવા પાલિકા પાસે પૂરતું ભંડોળ નથી. આ પગાર સંદર્ભે આવતીકાલ સોમવારે કાયમી કર્મચારીઓ બે દિવસના અલ્ટીમેટમ સાથે લેખિત રજૂઆત ચીફ ઓફિસર, પ્રમુખ, મામલતદાર અને પ્રાંત અધિકારીને કરવાના હોવાનું ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ વિકેશ પટેલે જણાવ્યું હતું.
કાયમી કરતાં રોજમદારો વધુ
પેટલાદ નગરપાલિકામાં કાયમી કર્મચારીઓનું મંજૂર મહેકમ ૩૦૬નું છે. જેમાં ૨૦ટકા કપાત બાદ કરતાં પાલિકા ૨૪૫ જગ્યાઓ ભરી શકે છે. પરંતુ હાલ આ ૨૪૫ સામે માત્ર ૯૦ જેટલા કાયમી કર્મચારીઓ ફરજ ઉપર રહ્યા છે. જેમાં સફાઈ કામદારોનો સમાવેશ પણ થઈ જાય છે.
બીજી તરફ પાલિકામાં રોજમદારો, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ હેઠળ, એપ્રેન્ટિસ વગેરે મળી ૩૪૫ જેટલા લોકો કામ કરતા હતા. જેમાંથી કેટલાકને છૂટા કરી દેતાં હાલ લગભગ ૨૫૦ જેટલા લોકો સફાઈ કામદાર, ડ્રાઈવર, ઓપરેટર વગેરે જેવી જગ્યાઓ ઉપર ફરજ બજાવે છે. જેને કારણે પાલિકાનું મહેકમ ૪૮ટકા જળવાવું જાેઈએ તેના બદલે ૭૯ટકા સુધી પહોંચી ગયું છે.
જેથી પગારમાં પણ કાયમી કર્મચારીઓનો તો ગ્રાન્ટમાથી થઈ જાય, પરંતુ એ સિવાયના કર્મચારીઓને દર મહિને પગાર માટે અંદાજીત રૂપિયા ત્રીસ લાખ થતો હોય છે. જેનું ભારણ સ્વભંડોળ ઉપર પડે છે.