પેટલાદ પાલિકામા પડતર પ્રશ્નો મુદ્દે હલ્લાબોલ: પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો
ખુલ્લા આક્ષેપો
પાલિકાના વોર્ડનં૮ના કાઉન્સિર મુન્તજીમોદ્દીન ઉર્ફે મુન્નાભાઈકાજીએ ચોરીના ખુલ્લા આક્ષેપો કરતા જણાવ્યું હતુ કે પાલિકાના કેટલાક કર્મચારીઓ ઓઈલ અને સિમેન્ટ જેવી વસ્તુઓની ચોરી કરતા હોય છે. ઉપરાંત સત્તાધીશો પૈકીના કેટલાય કાઉન્સિલરોના કામો પણ નહિ થતા હોવાની વાત કરી સત્તાપક્ષની પોલ ખોલી નાખી હતી.
જાે કે આ અંગે કારોબારી ચેરમેન અને ઉપસ્થિત કાઉન્સિલરોએ બચાવ કરતા કહ્યું હતુ કે એવો કોઈ પ્રશ્ન નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકામાં ભાજપ દ્વારા બાવીસ સભ્યો સાથે સત્તાના સૂત્રો સંભાળે આશરે છ મહિના જેટલો સમય થવા આવ્યો છે. પરંતુ ઘણી બાબતો અને કામો સંદર્ભે સત્તાપક્ષના સભ્યોમાં હૂસાતૂસી અને ખેંચતાણ હોવાનો ગણગણાટ ટોક ઓફ ધ ટાઉન છે.
પોલીસ છાવણીમાં પાલિકા પેટલાદ નગરપાલિકા ખાતે પડતર પ્રશ્નો મુદ્દે વોર્ડનં.૪ અને ૮ના કાઉન્સિલરો નગરજનો સાથે રજૂઆત કરવા આવવાની વાત શહેરમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી. ઉપરાંત પાલિકાના સત્તાધીશો, કર્મચારીઓ અને પોલીસ તંત્રને ખબર પડતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પાલિકા ખાતે કોઈપણ અનિચ્છનીય ઘટના કે ઘર્ષણ થાય નહી તેની તકેદારીના ભાગરૂપે પાલિકા કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતુ.
પેટલાદ, પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડનં. ૮ના નગરજનોને સમયસર પ્રાથમિક સુવિધાઓ મળતી નહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. પાણી, ગટર, સફાઈ, દવા છંટકાવ, પેચવર્ક વગેરેની સમસ્યાઓ ઘણા સમયથી પડતર છે. જે મુદ્દે આજરોજ કેટલાક કાઉન્સિલરો સહિત વોર્ડના રહિશોએ નગરપાલિકામાં હલ્લો મચાવ્યો હતો.
પાલિકા ખાતે ધસી આવેલ નગરજનોના પ્રતિનિધિઓ દ્વારા કારોબારી ચેરમેન સમક્ષ પોતાનો બળાપો કાઢ્યો હતો. આવેલ નગરજનોએ પાલિકાનો ઘેરાવો કરતા પોલીસે દરમિયાનગીરી કરવાની ફરજ પડતા મામલો થાળે પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આગામી દિવસોમાં મોહરમનો તહેવાર આવી રહ્યો છે. તે પૂર્વે તા.૪ ઓગષ્ટના રોજ વોર્ડ નં.૪ના અપક્ષ સભ્ય રિફાકતખાન પઠાણે લેખિતમાં પાલિકાને રજૂઆત કરી હતી. જેમા જણાવ્યું હતુ કે તા.૧૮ અને ૧૯ના રોજ મોહરમનો તહેવાર હોવાથી પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો આપવો.
ઉપરાંત તાજીયા જૂલુસના રૂટ ઉપર ઠેરઠેર ખાડા અને ગાબડા પડેલ છે, જેનું પેચવર્ક કામ વહેલી તકે કરવા રજૂઆત કરી હતી. જ્યારે વોર્ડ નં.૮ના અપક્ષ સભ્ય મુન્તજીમોદ્દીન ઉર્ફે મુન્નાભાઈ કાજીએ પાણી ઉપરાંત સફાઈ, દવા છંટકાવ, ઉભરાતી ગટરો વગેરે સમસ્યાઓ સંદર્ભે પાલિકાના ચીફ ઓફિસર, ઈ.ચા ચીફ ઈન્સપેક્ટર, સેનેટરી સુપરવાઈઝર વગેરેને વારંવાર મૌખિક રજૂઆતો કરી હતી.
પરંતુ આ બન્ને વોર્ડના પડતર પ્રશ્નોનું નીરાકરણ નહી આવતા આજરોજ અપક્ષ, આપ અને કોંગ્રેસના કેટલાક કાઉન્સિલરો સહિત વોર્ડના નગરજનો પાલિકા ખાતે રજૂઆત કરવા ધસી આવ્યા હતા. જેમા રિફાકતખાન પઠાણ (વોર્ડ નં.૪ અપક્ષ), મુન્તજીમોદ્દીન કાજી (વોર્ડ નં.૮ અપક્ષ), બિસ્મીલ્લાબાનુ એમ કાજી (વોર્ડ નં.૮ કોંગ્રેસ), અનીશાબાનુ પઠાણ (વોર્ડનં.૪ આપ)નો સમાવેશ થતો હતો.
પાલિકાના આ સભ્યો ચીફ ઓફિસર તથા પ્રમુખની ગેરહાજરીમાં પોતાની રજૂઆત કારોબારી ચેરમેન કેતનભાઈ ગાંધીને કરી હતી. તેઓએ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતુ કે પાલિકા દ્વારા વોર્ડનં૮ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખી અન્ય વોર્ડમાં રાબેતા મુજબ પાણી, લાઈટ, સફાઈ જેવી સુવિધાઓ મળે છે.
પાલિકાના સેનેટરી વિભાગના કર્મચારીઓ અમારૂ સાંભળતા નથી અને ઉદ્ધત જવાબો અપે છે. કેટલીક જગ્યાઓએ ગટરોને નીકો સાથે જાેડી દેતા ગંદકી ફેલાઈ રહી છે. સફાઈ અને દવા છંટકાવ સંદર્ભે સુપરવાઈઝરને રજૂઆત કરીએ છે તો તેઓ જણાવે છે કે અમોને ચીફ ઓફિસરે ના પાડી છે.
બીજી તરફ પુરતુ પાણી આપવાની રજૂઆત વારીગૃહના એન્જીનિયરને કરતા તેઓ પણ ચીફ ઓફિસરે ના પાડી હોવાનું જણાવ્યું હતુ. જાેકે હાલ તે વિસ્તારમાં ગટર રિપેરિંગનું કામ ચાલતુ હોવાને કારણે પાણી પુરવઠો સમયસર અને પુરતા પ્રેશરથી નહી આપવામાં આવતો હોવાનું એન્જીનીયર હાર્દિક પટેલે જણાવ્યું હતુ.
આ સમગ્ર મામલે પોલીસ વિભાગના અધિકારીની દરમિયાનગીરીને કારણે મામલો થાળે પડ્યો હતો. જાેકે મોહરમ સુધી પાણી, સફાઈ, લાઈટ વગેરે સુવિધાઓ ઉપર પુરતુ ધ્યાન આપવા કારોબારી ચેરમેન કેતનભાઈ ગાંધીએ બાહેધરી આપી હતી.