પેટલાદ સિવિલને એક દાતા તરફથી રૂ.૧૩ લાખના ખર્ચે મશીન અર્પણ

પેટલાદ સિવિલમાં વધુ એક સુવિધાનો પ્રારંભ
પેટલાદ, આણંદ જીલ્લાની પેટલાદ સ્થિત સિવિલ હોસ્પિટલને વધુ એક દાતા તરફથી રૂ.૧૩ લાખના ખર્ચે મિની-વિદાસ મશીન અર્પણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલને છેલ્લા બે મહિનામાં ઓક્સિજન પ્લાન્ટ, આરટીપીસીઆર લેબ, આઈસીયુ વોર્ડ, સીટી સ્કેન સેન્ટર જેવી સુવિધાઓ દાતાઓના આર્થિક સહયોગથી મળેલ છે.
જેમાં આ વધુ એક સુવિધા દાતા દ્વારા મળતા તેનો લાભ પંથકના દર્દીઓને મળવાપાત્ર રહેશે. પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ સિવિલ હોસ્પિટલના લેબોરેટરી વિભાગને ગતરોજ સવારે ૧૧ કલાકે સ્વામી સચ્ચિદાનંદ મહારાજના હસ્તે રૂ.૧૨૮૮૦૦૦/- નું મિની-વિદાસ મશીન અર્પણ કરવામાં આવ્યું હતું.
લેબોરેટરી વિભાગમાં આ મશીનની સ્વિચ ઓન કરી વધુ એક સુવિધાનો પ્રારંભ સ્વામીજીના હસ્તે થયો હતો. ત્યારબાદ હોસ્પિટલ તરફથી સ્વામિજીના હસ્તે દાતા વિષ્ણુભાઈ પુનમભાઈ પટેલ (ભાટીયેલ – હાલ યુએસએ), દિલીપભાઈ પુનમભાઈ પટેલ (ભાટીયેલ – હાલ યુએસએ), વિષ્ણુભાઈ મણીભાઈ પટેલ (ભાટીયેલ – હાલ યુએસએ),
ભાઈલાલભાઈ જેઠાલાલ પટેલ (ભાટીયેલ – હાલ યુએસએ), દિપકભાઈ જશભાઈ પટેલ (રંગાઈપુરા – હાલ યુએસએ)નો પ્રશસ્તિ પત્ર ઉપસ્થિત રમણભાઈ પટેલને આપી સન્માન કર્યું હતું. હોસ્પિટલ કેમ્પસમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સ્વામીજી ઉપરાંત ચૌદ ગામ લેઉઆ પાટીદાર સમાજના રમણભાઈ પુંજાભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, આણંદ જીલ્લા ભાજપના મંત્રી ધર્મેશ (ભૂરાભાઈ) મિસ્ત્રી, ડો. ગિરીશ કાપડિઆ, ડો.મેન્ગર તથા લેબોરેટરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.