પેટાચૂંટણીઃ શિવસેના તરફથી મોહન ડેલકરના પત્ની મેદાને, ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Mohan-Delkar.jpg)
દાદરા-નગર હવેલી, સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલીના સાંસદ મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી લોકસભાની બેઠક પર આવનારી ૩૦ ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી યોજાનાર છે.દિવંગત મોહન ડેલકરની પત્ની કલાબેન ડેલકરે છેલ્લી ઘડીએ શિવસેનામાંથી ફોર્મ ભર્યું છે. તો ભાજપે પણ અંતરિયાળ ખાનવેલ પંથકમાંથી મહેશ ગાવિતને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસે પણ પ્રભુ ટોકીયાના બદલે મહેશ ધોડીને ટિકિટ આપી પેટા ચૂંટણીના જંગને ત્રિપાંખિયો બાનવી દીધો છે.
દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકરે મુંબઈની એક હોટેલમાં આપઘાત કરી લેતા તેમના અપમૃત્યુના કારણે ખાલી પડેલી આ બેઠક પર હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ડેલકર પરિવાર દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ પહેલેથી જ કરી દેવામાં આવી હતી.
અગાઉ મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે આ ચૂંટણી લડશે તેવી માહિતી બહાર આવી હતી. જાેકે અંતિમ દિવસે ડેલકર પરિવારે અપક્ષ ચૂંટણી લડવાને બદલે શિવસેનાનો સાથ લીધો છે. ડેલકર પરિવારને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનામાં આવકાર્યા હતા. જેથી ડેલકર પરિવારે અભિનવને બદલે અંતિમ ઘડીએ મોહન ભાઈના પત્ની કલાબેન ડેલકરને ચૂંટણી જંગમાં ઉતારતા રાજકારણમાં ભૂકંપ સર્જ્યો હતો.
આ પેટા ચૂંટણીમાં પણ આદિવાસી સમાજ ડેલકર પરિવાર સાથે હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે ભાજપ માટે પણ ઉમેદવાર નક્કી કરવું એક પડકાર હતો ત્યારે અંતે છેલ્લી ઘડીએ ભાજપે મહેશ ગાવિતને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. મહેશ ગાવિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મહારાષ્ટ્રની હદ પર આવેલા સૌથી છેલ્લા ગામ કૌચા ગામના છે. ૪૪ વર્ષીય મહેશ ગાવીત બી. એ. ફર્સ્ટ ક્લાસ પાસ છે.
તેઓએ ૧૪ વર્ષ સુધી ઇન્ડિયન રિઝર્વ પોલીસ ફોર્સમાં ઇન્સ્પેક્ટર તરીકે સેવા બજાવી હતી. જાે કે વર્ષ ૨૦૧૪ માં તેઓએ પોલીસની નોકરી છોડી અને રાજકીય સફરની શરૂઆત કરી હતી. આથી તેઓ પાંચ વર્ષ સુધી દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવી હતી.
ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત આ વખતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં જંગી લીડથી જીતશે. તેવો દાવો કર્યો હતો.આ પેટા ચૂંટણીમાં છેલ્લી ઘડીએ કોંગ્રેસ એ પોતાના ઉમેદવાર મહેશ ધોડીને જાહેર કરી આ ચૂંટણી જંગને ત્રીપાંખીયા જંગમાં ફેરવી નાખી છે.
મહેશ ધોડી કોંગ્રેસના નેતા છે. પૂર્વ ઇન્ડીયન રિઝર્વ બટાલિયનમાં ફરજ બજાવી ચુક્યા છે. મીડિયા સમક્ષ મહેશ ધોડી એ જણાવ્યું હતું કે તેની જીતનો વિશ્વાસ છે અને તેઓ ચોક્કસ પણે વોટમાં પણ ફેર પાડશે અને તેઓ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ સાથે મળીને કાર્ય કરી ૧૦૦ ટકા જીતશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
દાદરા નગર હવેલીના પેટા ચૂંટણીના જંગમાં હવે ભાજપ, શિવસેનાએ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે. અહીંના આદિવાસી મતદારો ડેલકર પરિવાર સાથે રહે છે કે, સેલવાસ ભાજપના પીઢ નેતા આદિવાસી મતદારોને રિઝવામાં સફળ થશે તેવું રસપ્રદ રહેશે.HS