પેટાચૂંટણીની તમામ બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત
મોદીના નેતૃત્વમાં દુનિયાભરમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે- રૂપાણી
અમદાવાદ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી-૨૦૧૯ અંતર્ગત લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે ભાજપાના ઉમેદવાર જીજ્ઞેશ સેવકના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. આ સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રીઓ ગણપતભાઈ વસાવા, જયદ્રથસિંહ પરમાર, બચુભાઈ ખાબડ, સાંસદઓ રતનસિંહ રાઠોડ,જસવંતસિંહ ભાભોર, મિતેશભાઈ પટેલ, દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ જેપી પટેલ, ધારાસભ્યઓ, મહીસાગર જિલ્લાના ભાજપાના હોદેદારઓ, અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી ૨૧ આૅક્ટોબરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની તમામ બેઠકો પર જનતાના આશીર્વાદથી ભાજપાની જીત નિશ્ચિત છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયાભરમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે.
શક્તિશાળી ભારતના નિર્માણ માટે દેશમાંથી ભ્રષ્ટાચાર, બેકારી અને ગરીબી નાબૂદ કરી ભારતના માનબિંદુઓને પુનઃ સ્થાપિત કરવના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત પરિશ્રમ કરી રહ્યા છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને પૂનઃ એકવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે દેશની જનતાએ ખોબે-ખોબે મત આપી ભાજપાને દેશભરમાં ઐતિહાસિક વિજય અપાવ્યો અને ગુજરાતમાં પણ તમામ ૨૬ બેઠકો પર જનતાજનાર્દનના આશીર્વાદથી કમળ ખીલ્યું છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પરિણામ બાદ પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તુરંત જ ત્રિપલ તલાક વિરુધ્ધ કડક કાયદો અને કોંગ્રેસના જવાહરલાલ નહેરુ દ્વારા ભૂતકાળમાં કરાયેલી ભયંકર ભૂલોનું પરિણામ કલમ ૩૭૦ અને ૩૫એ હટાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવી છે.
કોંગ્રેસના જવાહરલાલ નહેરુની ખોટી રાજનીતિઓને કારણે આઝાદીના ૭૦ વર્ષ પછી પણ દેશ સંપૂર્ણપણે એકીકરણ અનુભવતો ન હતો. કાશ્મીરમાં ૪૫૦૦૦ જેટલા નિર્દોષ નાગરિકોના મૃત્યુ માટે કોંગ્રેસ જવાબદાર છે ત્યારે કલમ ૩૭૦ અને ૩૫એ નાબૂદ કરવાના નિર્ણય સાથે જ સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદની ભાવના પ્રસ્થાપિત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ એમ બે ગુજરાતીઓના નેતૃત્વમાં આ ઐતિહાસિક નિર્ણયો કરવામાં આવ્યા તે ગુજરાત માટે ખૂબ જ ગૌરવપુર્ણ બાબત છે. વધુમાં રૂપાણીએ ૩૭૦ની કલમ નાબુદ કરવા માટેના આંદોલનમાં ડા. શ્યામાપ્રસાદ મુખરજીના સાથી લુણાવાડાના ઉમાશંકર બેરિસ્ટરને તેમના અમૂલ્ય યોગદાન બદલ યાદ કર્યા હતા.