પેટા ચૂંટણી પૂર્વે અમિત શાહ ૩ દિનની ગુજરાત મુલાકાતે
અમદાવાદ : ગુજરાત રાજયની પેટા ચૂંટણી પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી સભા સંબોધવા જઇ રહ્યાં છે ત્યારે અમિત શાહ આજે સુરતમાં રાત્રીરોકાણ કર્યું હતું. આ ઉપરાંત જન્મદિવસ પૂર્વે જ અમિત શાહ તા.૨૦મીએ સોમનાથ મંદિરમાં પૂજાઅર્ચના કરી શીશ ઝૂકાવશે અને સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવશે.
ગુજરાતની મુલાકાતને લઇને છેલ્લી ઘડીએ ફેરફાર કરાયા હોવાનુ પણ જાણવા મળ્યુ છે.ઉલ્લેખનીય છે કે, તા.૨૨મીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો જન્મદિવસ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સુરત એરપોર્ટ પર આજે રાત્રે દસેક વાગ્યાની આસપાસ પહોંચી ગયા હતા. તેઓએ સુરતમાં જ રાત્રીરોકાણ કર્યું હતું. મહારાષ્ટ્રમાં આવતીકાલે તા.૧૯મી ઓક્ટોબરે નવાપુરામાં અમિત શાહ જાહેરસભાને સંબોધન કરશે. સભાને સંબોધિત કર્યા બાદ ફરી અમિત શાહ ગુજરાત પરત આવશે.
તેઓ તા.૧૯મીની રાત્રે કેશોદ એરપોર્ટ પર ઉતરશે. બાદમાં અમિત શાહ સોમનાથમાં રાત્રીરોકાણ કરશે. તો, તા.૨૦મીએ વહેલી સવારે તેઓ સોમનાથ મંદિરમાં દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે. ત્યાંથી અમિત શાહ સીધા અમદાવાદ એરપોર્ટ પર આવશે. જા કે, તા.૨૨મીએ અમિત શાહ અમદાવાદ આવશે કે કેમ તે અંગે હજુ પ્રશ્નાર્થ છે કેમકે, હજુ સુધી આખરી કાર્યક્રમ નક્કી થઇ શક્યો નથી.
અમિત શાહની ત્રણ દિવસની ગુજરાત મુલાકાતને લઇ ભાજપ દ્વારા પણ તૈયારીઓ કરાઇ છે. ખાસ કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા અને તેની ઉજવણીને લઇ ખાસ આયોજન ચાલી રહ્યા છે. અમિત શાહ તેમની ગુજરાત મુલાકાત દરમ્યાન ગુજરાતની પેટાચૂંટણીને લઇ ભાજપના સ્થાનિક નેતાઓ અને પ્રદેશ સંગઠના આગેવાનો સાથે મહત્વની ચર્ચા વિચારણા કરી તેમને ભાજપની જીત માટેના ખાસ દિશા નિર્દેશો આપે તેવી પૂરી શકયતા છે.