પેટીએમનાં નામે ઠગાઈ કરતી જામતારાની ગેંગને ઝડપી લેતી અમદાવાદ સાયબર ક્રાઈમ
મુખ્ય સુત્રધાર સહીત ચાર ઝડપાયા : એક મણીનગરનો : પ૦થી વધુ એકાઉન્ટની વિગતો મળી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરીજનો સાથે KYC અપડેટ કરવાના બહાને છેતરપીંડી થવાના કિસ્સા વારંવાર બહાર આવે છે આવા ગુનાઓમાં વધારો થતાં ઉચ્ચ અધિકારીઓએ આ અંગે જરૂરી કાર્યવાહીની સુચના આપતા સાયબર ક્રાઈમની ટીમને સાયબર ક્રાઈમના એપી સેન્ટર એવા ઝારખંડના જામતારા ખાતેથી ગેંગને ઝડપી લેવામાં સફળતા મળી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદીઓ સાથે ઓનલાઈન છેતરપીંડીના ગુના ઘણાં વધી જતાં સાયબર પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી દરમિયાન એક શહેરીજન સાથે રૂપિયા દસ લાખથી વધુની છેતરપીંડીની ફરીયાદ મળતાં એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવતા તેના છેડા ભારતમાં સાયબર ક્રાઈમના એપી સેન્ટર ગણાતાં ઝારખંડના જામતારામાં નીકળ્યા હતા.
જેના પગલે સાયબર સેલના પીઆઈ એસ.આર. મુછાળની ટીમને કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવતા પીઆઈ મુછાળે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને શીવમકુમાર ઉર્ફે ગુપ્તાજી આનંદપ્રસાદ (ગાંડેય મીડીલ સ્કુલ પાસે, ગાન્ડેય, ગીરડીહ, ઝારખંડ) તથા ગૌસુરવરા મોહંમદ ઈશાક અંસારી (ગુલશને મદીના, સોનીનું ખેતર, ભૈરવનાથ રોડ, મણીનગર મુળ. ગોરખપુર ઉત્તરપ્રદેશ) ને ઝડપી લીધા હતા. પોલીસે તેમના સિવાય મુખ્ય સુત્રધાર અજય મંડલ અને ગોવિંદ મંડલને પણ ઝડપી લીધા છે. હાલમાં તમામની પુછપરછ ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે કે અજય મંડલ, ગોવિંદ મંડલ તથા તેના મળતિયા માણસો બલ્કમાં મેસેજ બ્લાસ્ટ કરાવતા હતા અને કોઈ નાગરીક કોલ કરે તો અજયે રાખેલા કોલરો તેમને પેટીએમના કેવાયસી અપડેટ કરવાનું જણાવી તમામ વિગતો મેળવી લેતા હતા બાદમાં છેતરપીંડી આચરી તે નાણાંની એમેઝોનમાંથી ગીફટ વાઉચર ખરીદીને રોકડ મેળવવા તે શિવમને મોકલવામાં આવતા હતા જે શિવમ ગૌસુલને આપતો હતો.
ગોસુલ લોકોના ઓનલાઈન બીલ ચૂકવીને રોકડ મેળવતો હતો જે અજય અને તેની ગેંગના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હતા. પોલીસે હાલ સુધી પચાસ જેટલા બેંક એકાઉન્ટ અને વોલેટની માહીતી મેળવી છે ઉપરાંત ૧૧ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યાં છે.