પેટ્રોલપંપના કર્મચારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/suicide.jpeg)
(પ્રતિનિધિ) અમદાવાદ : નરોડા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપ પર કામ કરતા કર્મચારીને પંપના મેનેજર સહિતના અન્ય કર્મ્ચારીઓના માનસિક ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સાધનો દ્વારા પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે નરોડા વિસ્તારમાં આવેલા જય અંબે એપાર્ટમેન્ટ ખાતે પોતાના પરિવાર સાથે રહેતા જીતેન્દ્રસિંહ કાન્તીલાલ પરમાર આ જ વિસ્તારમાં નરોડા કેનાલ પાસે દહેગામ રોડ પર જીઈબીની કચેરી નજીક આવેલા સિધ્ધનાથ પેટ્રોલપંપ પર નોકરી કરતો હતો ગઈ તા.૪.૬.ર૦૧૯ રોજ જીતેન્દ્રસિંહ પરમાર તથા પંપના અન્ય કર્મચારીઓએ પંપના મેનેજર પાસે પોતાના હક્કની માંગણી કરી હતી.
ત્યારે મેનેજર પ્રહલાદ પટેલે તમે લોકો સમયસર કામ પર આવતા નથી તેવુ કહી જીતેન્દ્રસિંહ સહિત અન્ય કર્મચારીઓને પણ નોકરીમાંથી કાઢી મૂકયા હતા ત્યારબાદ ગઈ તા.૧૮.૬.ર૦૧૯ના રોજ જીતેન્દ્રસિંહ તથા અન્ય કર્મચારીઓ સિધ્ધનાથ પેટ્રોલપંપ પર સમાધાન કરવા માટે આવ્યા હતા આ વખતે પંપના મેનેજર પ્રહલાદ પટેલ, કેશીયર કિશોર પટેલે અને સુપરવાઈઝર મુકેશ પટેલે જીતેન્દ્રસિંહ તથા અન્ય કર્મચારીઓને ઓફીસમાં બોલાવી ગાળાગાળી કરી જાતિ વિષયક અપમાનજક શબ્દો કાઢયા હતા આ ઉપરાંત હવે ફરી પેટ્રોલપંપ પર દેખાશો તો મારી નાંખીશુ તેવી ધમકી પણ આપી હતી.
ત્યારબાદ જીતેન્દ્રસિંહ પરમારે આ અંગે તા.ર૦.૬.ર૦૧૯ રોજ નરોડા પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી અને કંટાળી જઈ તે તેના વતન રાજસ્થાન ખાતે ચાલ્યો ગયો હતો રાજસ્થાનથી પરત આવ્યા બાદ જીતેન્દ્રસિંહ ગઈ તા.૧૦.૬.ર૦૧૯ના રોજ નરોડા સ્મશાનગૃહ પાસે ઝેરી દવા પી લઈ આપઘાત કરવાનો કર્યો હતો ઝેરની અસર થાય તે પહેલા જીતેન્દ્રસિંહ ચાલતો ચાલતો સિધ્ધનાથ પેટ્રોલપંપ પર પહોચ્યો હતો જયાં ઝેરની અસર થતાં તે ત્યાંજ ઢળી પડયો હતો
આ ઘટનાના પગલે પેટ્રોલપંપ પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને જીતેન્દ્રસિંહને ગંભીર હાલતમાં ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પીટલમાં મોકલવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા નરોડા પોલીસ પણ તાત્કાલિક પહોચી જઈ સઘન તપાસ શરૂ કરી હતી અને ફરીયાદના આધારે પેટ્રોલપંપના મેનેજર પ્રહલાદ પટેલ, કેશીયર કિશોર પટેલ અને સુપરવાઈઝર મુકેશ પટેલ વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.