પેટ્રોલિયમના ઉત્પાદનોનો વપરાશ ફેબ્રુ.માં ૪.૯% ઘટ્યો

Files photo
નવી દિલ્હી: દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના વધી રહેલા ભાવના પગલે પેટ્રોલ અને ડીઝલ બંનેની ડિમાન્ડમાં ગાબડું પડ્યું છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો વપરાશ ફેબ્રુઆરીમાં ૪.૯% ઘટીને ૧૭.૨૧ મિલિયન ટન થઇ ગયો છે. નોંધનીય છે કે દેશમાં ક્રૂડ તેલનો વપરાશ સપ્ટેમ્બર પછી સૌથી ઓછો જાેવા મળ્યો છે.
દેશમાં છેલ્લા એક મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં બેફામ વધારો થતા પ્રજા બેહાલ બની ગઈ છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો વપરાશ ફેબ્રુઆરીમાં ૪.૯% ઘટીને ૧૭.૨૧ મિલિયન ટન થઇ ગયો છે. ડીઝલ દેશમાં સૌથી વધુ વપરાતું બળતણ છે. તેના વપરાશમાં ૮.૫%નું ગાબડું પડ્યું છે અને અત્યારે તેનો વપરાશ માસિક ૬.૫૫ મિલિયન ટન થઇ ગયો છે. બીજી તરફ પેટ્રોલનો વપરાશ ૬.૫% ઘટીને ૨.૪ મિલિયન ટન થઇ ગયો છે.
નેપ્થાના વપરાશમાં ફેરફાર થયો નથી પણ રોડ બનાવવા માટે વપરાતા બિટ્યુમેનનો વપરાશ ૧૧% જેટલો ઘટ્યો છે. આ બાજુ રાંધણ ગેસ, કે જેના ભાવમાં પણ બેફામ વધારો નોંધાયો છે, તેનું વેચાણ ૭.૬% વધ્યું છે.
નોંધનીય છે કે ૨૦૨૦માં ભારતની તેલની માંગમાં ૧૦.૫૪% ઘટાડો નોંધાયો હતો. દેશમાં ક્રૂડની ડિમાન્ડ ૨૦૨૦માં ૪૪ લાખ બેરેલ પ્રતિ દિન હતી જે ૨૦૧૯માં ૪૯ લાખ બેરેલ પ્રતિ દિન હતી. જાે કે ઓપેકને આશા છે કે ભારતની ડિમાન્ડ ૨૦૨૧માં ૧૩.૬% જેટલી વધીને આશરે ૫૦ લાખ બેરલ પ્રતિ દિન જેટલી થઇ જશે.
દેશમાં ૨૦૨૦ના છેલ્લા ક્વાર્ટરમાં જીડીપી પોઝિટિવ આવતાની સાથે આશાઓ સર્જાઈ છે. દેશમાં ઇન્ડસ્ટ્રીઝ ફરીથી શરુ થતા ઓઇલની માંગ વધશે તેવી ગણતરી છે. જાે કે કોરોનાના વિવિધ પ્રકારના લોકડાઉનને કારણે હજુ પણ હવાઈ યાત્રાઓની સંખ્યા ૧૦% જેટલી ઓછી નોંધાઈ રહી છે.